અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ગુણવત્તાસભર અને સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સોમવારે સાબરમતી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, રામનગર, સાબરમતી ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9:30થી બપોરે 12:30 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં 1,000થી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આ મેગા મેડિકલ કેમ્પમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, દંડક અતુલ મિશ્રા, ચાંદખેડા, રાણીપ અને નવા વાડજ વોર્ડના કોર્પોરેટરઓ, આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેમ્પ દરમિયાન નાગરિકોને એક જ સ્થળે વિવિધ પ્રકારની નિષ્ણાત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશન કીટ તથા સગર્ભા માતાઓને ન્યૂટ્રીશન કીટ અને મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિષ્ણાત તબીબો દ્વારા આરોગ્ય તપાસ, નિદાન, સારવાર અને જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખાસ કરીને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ અને સારવાર, આંખ, દાંત, બાળરોગ, સ્ત્રીરોગ, મેડિસિન, સર્જીકલ, ચામડી, હાડકા સહિત વિવિધ વિભાગોની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.નાગરિકોને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન આરોગ્ય તપાસ અંતર્ગત ECG સહિત વિવિધ લેબોરેટરી તપાસો કરવામાં આવી હતી. જેમાં હિમોગ્લોબિન, રેન્ડમ બ્લડ સુગર (RBS), મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, એચ.આઈ.વી ટેસ્ટિંગ સહિતની તપાસ કરવામાં આવી હતી. સાથે જ વિવિધ રોગો અંગે નાગરિકોમાં આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેગા મેડિકલ કેમ્પ દરમિયાન કુલ 1,055 જેટલા OPD કેસ નોંધાયા હતા.આ ઉપરાંત જરૂરિયાત મુજબ નાગરિકોની વિવિધ તબીબી તપાસો કરવામાં આવી હતી. PM-JAY અને આયુષ્માન કાર્ડ સંબંધિત સુવિધા અને માર્ગદર્શન પણ નાગરિકોને આપવામાં આવ્યું હતું.
આ મેગા મેડિકલ કેમ્પનો મુખ્ય હેતુ નાગરિકોને વિવિધ આરોગ્ય સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો, રોગોનું વહેલું નિદાન, સમયસર સારવાર, રોગપ્રતિકારક પગલાં અને આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો હતો. કેમ્પમાં ઉપસ્થિત તબીબો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા નાગરિકોને સ્વચ્છતા, પોષણ, રોગપ્રતિકારક પગલાં, નિયમિત આરોગ્ય તપાસ તથા જરૂરિયાત મુજબ તબીબી સલાહ લેવાના મહત્વ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.


