ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી રૂટ પર સંચાલન ખોરવાયું હતું. મેટ્રો સેવા શરૂ કરતાં પહેલાં ટ્રેકનું નિરીક્ષણ કરવા માટે દોડાવવામાં આવેલી ખાલી પાયલોટિંગ ટ્રેનમાં ગિફ્ટ સિટી સ્ટેશન પાસે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.
રિપોર્ટ મુજબ, મેટ્રોનું નિયમિત સંચાલન શરૂ થાય તે પહેલાં દરરોજ એક ખાલી ટ્રેન દોડાવીને તમામ ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવે છે. મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન અંદાજે 15 મિનિટ સુધી અચાનક ટેકનિકલ ગ્લિચ સર્જાઈ હતી. આ સિસ્ટમ ગ્લિચના કારણે ટ્રેન સંચાલનમાં ખામી ઊભી થતાં ઘટનાસ્થળે ઉપસ્થિત એન્જિનિયરો અને ટેકનિકલ ટીમ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રાયલ રન રોકી દેવામાં આવ્યું હતું.
જોકે, આ સમગ્ર ઘટના અંગે મેટ્રો પ્રશાસન તરફથી તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી છે. પ્રશાસને દાવો કર્યો છે કે આ ખામી માત્ર ટ્રાયલ રન દરમિયાન જ સર્જાઈ હોવાથી સામાન્ય મુસાફરોની સેવાઓ અને દૈનિક રેલ વ્યવહારને કોઈપણ પ્રકારની વિપરીત અસર પહોંચી નથી. દૈનિક મેટ્રો કામગીરી અને અન્ય રૂટ પરની સેવાઓ યથાવત રીતે ચાલુ રહી છે.
ઘટનાની જાણ થતાં GMRC ના ટેક્નિકલ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટ્રેનમાં ખામી સર્જાવાનું કારણ અને ઘટનાની સમગ્ર વિગતો જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ જ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતર્યા હોવા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.
હવે એ જોવું મહત્ત્વનું રહેશે કે મેટ્રો ટ્રેનમાં સર્જાયેલી આ ટેકનિકલ ક્ષતિને સંપૂર્ણપણે દૂર કરવામાં તંત્રને કેટલો સમય લાગે છે. આ ખામી સંપૂર્ણ પૂરી થયા બાદ જ અધિકારીઓ દ્વારા આ રૂટ પર ફરીથી ટ્રાયલ રન શરૂ કરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.


