અમદાવાદ : દ્વારકાપીઠના પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજશ્રીની શ્રી ન્યૂ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ, પાટીદાર પરિવાર ટ્રસ્ટ સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આદરણીય ટ્રસ્ટી રૂપેશભાઈ વી. પટેલના નિવાસસ્થાને પાવન પધરામણી થતાં સમગ્ર પરિવારજનો તેમજ ઉપસ્થિત ભાવિકજનોમાં આનંદ અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
સંતોના ચરણ જ્યાં પડે છે ત્યાં પવિત્રતા, સાત્ત્વિકતા અને દિવ્યતાનો સંચાર થાય છે. આવા પવિત્ર અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીનાં દિવ્ય દર્શન, પાવન સાનિધ્ય અને અમૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌને અવિસ્મરણીય લહાવો મળ્યો હતો. ઉપસ્થિત સૌએ ભક્તિભાવપૂર્વક ગુરુદેવશ્રીનું સ્વાગત અને અભિવાદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ ભગત, સિટી સિવિલ કોર્ટના મુખ્ય સરકારી વકીલ (ક્રિમિનલ) સુધીરભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિભાઈ અમીન, પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. જે. એમ. વ્યાસ, ડૉ. અપૂર્વ વ્યાસ, એન. વી. શાહ (એ.જી.પી.) સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, સામાજિક આગેવાનો, પરિવારજનો અને સ્વજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પાવન પ્રસંગે પૂજ્ય શંકરાચાર્યશ્રી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજશ્રીએ પ્રેરણાદાયી ઉદ્બોધન દ્વારા ઉપસ્થિત સૌને આત્મચિંતન અને આત્મનિરીક્ષણનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો. તેમણે માનવજીવનમાં સદકાર્યો, પરોપકાર, સેવા અને સદાચારનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે માનવજીવન માત્ર પોતાના સુખ અને સ્વાર્થ પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ સમાજના કલ્યાણ અને માનવતાની સેવા માટે સમર્પિત થવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવતું સેવાકાર્ય અને જરૂરિયાતમંદોની સહાય એ જ સાચી માનવતા છે. સારા વિચારોને માત્ર વાણી પૂરતા સીમિત રાખવાને બદલે તેને પોતાના જીવનમાં આચરણરૂપ બનાવવા જોઈએ. સમાજમાં સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ અને માનવમૂલ્યોનું જતન થાય તે માટે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે યોગદાન આપવું જોઈએ.
પૂજ્ય ગુરુદેવશ્રીના અમૃતમય આશીર્વચનોએ ઉપસ્થિત સૌના હૃદયમાં સેવા, સમર્પણ, પરોપકાર અને સદકાર્યો પ્રત્યે નવી ચેતના તથા પ્રેરણાનો સંચાર કર્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બની ગયું હતું.
આમ, પૂજ્ય શંકરાચાર્યશ્રીની આ પાવન પધરામણી માત્ર એક ધાર્મિક મુલાકાત બનીને ન રહેતાં આધ્યાત્મિક જાગૃતિ, સંસ્કાર સંવર્ધન અને માનવસેવાના સંકલ્પને વધુ દૃઢ બનાવતો એક યાદગાર અને પ્રેરણાદાયી અવસર બની રહી હતી.


