અમદાવાદ : અમદાવાદ શહેરના ઝડપી વિકસતાં વિસ્તારોમાં આગની ઘટનાઓ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદને ધ્યાને લઈને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે. આગામી 2થી 3 વર્ષમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં કુલ 18 નવા ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવશે. હાલમાં શહેરના વિવિધ ઝોનમાં 19 ફાયર સ્ટેશન કાર્યરત છે, જેમાં વધુ 18 સ્ટેશનનો ઉમેરો થતા કુલ સંખ્યા 37 પર પહોંચશે.
રિપોર્ટ મુજબ, આગામી 2 થી 3 વર્ષમાં અમદાવાદમાં 18 નવાં ફાયર સ્ટેશન મળશે. હાલમાં શહેરના વિવિધ ઝોનમાં 19 ફાયર સ્ટેશન કાર્યરત છે, નવા 18 ફાયર સ્ટેશન ઉમેરાવાથી આગ લાગવાની સ્થિતિએ રિસ્પોન્સ ટાઇમ 15થી ઘટી 10 મિનિટનો થશે.શહેરમાં વધી રહેલી ગગનચુંબી ઈમારતોની સુરક્ષા માટે ફાયર બ્રિગેડના કાફલામાં અત્યાધુનિક વાહનો સામેલ કરાશે. 30 માળ સુધીની ઊંચાઈએ લાગેલી આગને કાબૂમાં લઈ શકે તેવા ખાસ ફાયર ક્રેશ વાહનો પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં એક-એક ફાળવવામાં આવશે.
પ્રથમ તબક્કામાં 9 ફાયર સ્ટેશન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય 9 ફાયર સ્ટેશન માટે જમીનની ફાળવણી પણ નક્કી થઈ ચૂકી છે. નવા ફાયર સ્ટેશન પશ્ચિમ અને નવા વિસ્તાર જેવા કે, ભાડજ, જોધપુર, રાણીપ, ઓગણજ, સરખેજ અને ચાંદલોડિયા. અને પૂર્વ વિસ્તારોમાં રામોલ-હાથીજણ, ઈસનપુર, કઠવાડા, નિકોલ અને લાંભાનો સમાવેશ થાય છે.
નવા તૈયાર થનારા તમામ ફાયર સ્ટેશન હાઈરાઈઝ અને બેઝમેન્ટ પાર્કિંગની સુવિધાથી સજ્જ હશે. આ બિલ્ડિંગોમાં ફાયર જવાનો માટે સ્ટાફ ક્વાર્ટર્સ તેમજ પાણીના સંગ્રહ માટે અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીઓની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હિરેન ચૌધરીએ જણાવ્યું હતું કે,
ઔડા (AUDA)ના વિસ્તારો કોર્પોરેશનમાં ભળે તે પહેલાં જ ફાયર સ્ટેશનો તૈયાર કરી દેવાનું આયોજન છે. નિયમ મુજબ વસતીના પ્રમાણમાં ફાયર સ્ટેશન ઉપલબ્ધ રહે તે અમારો મુખ્ય ધ્યેય છે.


