અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી ગત એપ્રિલ 2026માં થઈ અને પરિણામ પણ ફટાફટ આવી ગયા. જેને લગભગ 6 મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી અમદાવાદ મનપામાં વિપક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવી તે અંગે મુંઝવણો જોવા મળી રહી છે. આંતરિક ખેંચતાણ હવે ખુલીને સપાટી પર જોવા મળી રહી છે. કોંગ્રેસ માટે સારામાં સારું પરિણામ કહીએ તો અમદાવાદ મનપામાં જોવા મળ્યું. જ્યાં કુલ 192 બેઠકોમાંથી કોંગ્રેસે 32 બેઠકો જીતી.
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, AMC વિપક્ષ નેતાના પદ માટે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ અલગ-અલગ ચહેરાઓની હિમાયત કરી રહ્યા છે, જેમાં અમિત ચાવડા નીરવ બક્ષીના સમર્થનમાં છે અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ તેમના માટે સતત લોબિંગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ધારાસભ્ય શૈલેષ પરમાર શહેઝાદ ખાનને આ જવાબદારી સોંપવાની તરફેણમાં હોવાનું જાણવા મળ્યું છે. ચર્ચા એવી પણ છે કે ગત ટર્મમાં નીરવ બક્ષીને પદ આપવાનો વાયદો થયો હતો, પણ પદ ન મળતાં આ વખતે તેમના માટે ફરી મથામણ કરાતી હોવાનું જાણકારો માની રહ્યા છે.
અગાઉ આ પસંદગી પ્રક્રિયાની કમાન સાંસદ કુલદીપ ઈન્દીરાને સોંપવામાં આવી હતી, પરંતુ સંભવિત નામો અંગે સહમતિ ન બનતાં અને અસમંજસની સ્થિતિ સર્જાતાં તેમણે આ સમગ્ર મામલો પ્રદેશ પ્રમુખને સુપરત કરી દીધો છે. પરિણામે હવે અમદાવાદ મનપામાં કોંગ્રેસના વિપક્ષ નેતા તરીકે કોની નિમણૂક થશે, તેના પર અંતિમ મહોર પ્રદેશ પ્રમુખ દ્વારા મારવામાં આવશે.
અમદાવાદ સહિત અનેક મહાનગરપાલિકાઓ વાત કરીએ તો માંડ માંડ વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસને મળતું જોવા મળી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે આમ છતાં આંતરિક જૂથવાદ અને ખેંચતાણને પગલે એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે વિપક્ષના નેતા કોને બનાવવા એ જ યક્ષ પ્રશ્ન પાર્ટી માટે બનતો હોય છે.


