અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા લોકપ્રિય ગાયક દિલજીત દોસાંજના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે. કોન્સર્ટમાં હાજર રહેલા હજારો સંગીતપ્રેમીઓની ભીડનો ગેરલાભ ઉઠાવીને મોબાઈલ ચોરી કરતી દિલ્હીની કુખ્યાત આંતરરાજ્ય ગેંગ સક્રિય થઈ હતી, ગેંગના બે સભ્યને ઝોન-2 LCB સ્ક્વોડે ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને વોચ ગોઠવી બંને આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના 11 મોબાઈલ ફોન (કિં. રૂ. 4.30 લાખ) જપ્ત કરી 6 જેટલા ગુના નોંધ્યા છે.
રિપોર્ટ મુજબ, દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક લોકોના મોબાઈલ ફોન ચોરી થયાની ફરિયાદો સ્ટેડિયમના કંટ્રોલ રૂમમાં મળી હતી. ફરિયાદોના આધારે પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું. કોન્સર્ટ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમની બહાર નીકળી રહ્યા હતા.આ દરમિયાન ગેટ પર વોચ ગોઠવી રહેલી ઝોન-2 DCP LCB સ્ક્વોડના PSI કે.ડી. પટેલ અને તેમની ટીમને 2 શંકાસ્પદ શખ્સ પોલીસને જોઈને ભાગતા જણાયા હતા. પોલીસ ટીમે બંનેનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા. તેમની તપાસ કરતાં ખિસ્સામાંથી અલગ-અલગ કંપનીના 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં બંને આરોપીની ઓળખ દિલ્હીના રહેવાસી મોહમ્મદ ગુલઝાર અને અશરફ હુસૈન ઈદ્રિશી તરીકે થઈ હતી. તપાસ દરમિયાન બંનેએ કબૂલાત કરી કે કોન્સર્ટમાં ગોલ્ડ કેટેગરીની ટિકિટ ધરાવતા લોકો પાસે મોંઘા મોબાઈલ ફોન હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેઓ ખાસ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા.આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન ચોરવાની તેમની યોજના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ પાસેથી અત્યાધુનિક અને મોંઘા સ્માર્ટફોનનો મોટો જથ્થો મળી આવ્યો છે. તેમની પાસેથી એપલ અને સેમસંગ જેવી બ્રાન્ડના કુલ 11 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં આઇફોન 17 પ્રો મેક્સ અને સેમસંગ S25 અલ્ટ્રા જેવા પ્રીમિયમ ફોન પણ સામેલ છે. જપ્ત કરવામાં આવેલા તમામ 11 મોબાઈલ ફોનની કુલ બજાર કિંમત રૂ. 4.30 લાખ આંકવામાં આવી છે.


