Monday, November 23, 2026

અમદાવાદમાં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટને બ્રેક! સોસાયટીઓના આંતરિક વિવાદો, વધતા ખર્ચ અને બાંધકામના સ્લોડાઉનથી બિલ્ડરોની મુશ્કેલી વધી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જૂની હાઉસિંગ સોસાયટીઓના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ગતિ ધીમી પડી રહી છે. સોસાયટીના સભ્યો વચ્ચે સંમતિનો અભાવ, વધતી બાંધકામ સામગ્રીની કિંમતો, મકાનોની નબળી સ્થિતિ અને લાંબા સમય સુધી ચાલતા વિવાદોને કારણે રીડેવલપમેન્ટના સોદાઓ અટવાઈ રહ્યા છે. પરિણામે બિલ્ડરો પણ અગાઉ આપેલી ઓફરો અને પ્રતિબદ્ધતાઓ અંગે પુનર્વિચાર કરવા મજબૂર બન્યા છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં અમદાવાદમાં માત્ર 25 થી 30 રીડેવલપમેન્ટ ડીલ જ ફાઇનલ થઈ છે, જ્યારે ગત વર્ષે આ સંખ્યા આશરે 100 હતી. આ આંકડા શહેરમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા કેટલી ધીમી પડી છે તે દર્શાવે છે.

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આશરે 60 વર્ષ જૂની હાઉસિંગ સોસાયટી તેનું ઉદાહરણ છે. શહેરના પ્રારંભિક એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ્સમાંની એક ગણાતી આ સોસાયટી છેલ્લા એક દાયકાથી વધુ સમયથી રિડેવલપમેન્ટની રાહ જોઈ રહી છે.

સોસાયટીના એક સભ્યના જણાવ્યા અનુસાર, અગાઉ એક બિલ્ડર સાથે રીડેવલપમેન્ટનો કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ બે સભ્યો તૈયાર ન હોવાથી વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટનો ચુકાદો સોસાયટીની તરફેણમાં આવ્યો હોવા છતાં પ્રક્રિયામાં બે-ત્રણ વર્ષ વીતી ગયાં. ત્યાં સુધીમાં બાંધકામનો ખર્ચ વધી જતાં બિલ્ડરે અગાઉની ઓફર મુજબ કામ કરવાની અસમર્થતા દર્શાવી હતી. બિલ્ડર દ્વારા ઓછો કાર્પેટ એરિયા આપવાની વાત કરવામાં આવતાં સભ્યોએ પણ તે ઓફર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

અર્બન રીડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિએશનના પ્રમુખ અને પંચશીલ ગ્રુપના જિતેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં રીડેવલપમેન્ટની સંભાવનાઓ ઘણી છે, પરંતુ ડીલ ફાઇનલ થવામાં થતો વિલંબ મોટી સમસ્યા બની રહ્યો છે.તેમના જણાવ્યા પ્રમાણે, ઘણી વખત રીડેવલપમેન્ટની પ્રક્રિયા એટલી લાંબી ચાલે છે કે વાસ્તવિક કામ શરૂ થાય ત્યાં સુધીમાં રેતી, સિમેન્ટ, સ્ટીલ સહિતની કાચી બાંધકામ સામગ્રીના ભાવ બદલાઈ જાય છે. તેના કારણે બિલ્ડરોના ખર્ચનું ગણિત ખોરવાય છે અને પ્રોજેક્ટની આર્થિક વ્યવહારિકતા સામે પ્રશ્નો ઊભા થાય છે.

રિપોર્ટ મુજબ, બિલ્ડર ક્ષેત્ર સાથે સંકળાયેલા કે. ડી. દેસાઈના મતે, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સમયમર્યાદામાં મંજૂરી આપવા માટે અલગ સત્તામંડળની વ્યવસ્થા હોવી જોઈએ. જો સોસાયટીના 75 ટકાથી વધુ સભ્યો રીડેવલપમેન્ટ માટે સંમત હોય અને માત્ર થોડા સભ્યો વિરોધ કરતા હોય, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસની ભૂમિકા નક્કી થવી જોઈએ, જેથી પ્રક્રિયા બિનજરૂરી રીતે અટકે નહીં.

જૂની સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની જરૂરિયાત વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને 45થી 50 વર્ષ જૂનાં મકાનોની બાંધકામ સંબંધિત સ્થિતિ નબળી હોવાને કારણે તેમના માટે રીડેવલપમેન્ટ અનિવાર્ય બનતું જાય છે.

કાયદાકીય સલાહકારોના જણાવ્યા મુજબ, આવી સોસાયટીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ પણ મળે છે અને રીડેવલપમેન્ટની જરૂરિયાત ઊભી થાય છે. તેમ છતાં સોસાયટીના તમામ સભ્યો એકમત ન હોવાથી પ્રોજેક્ટ આગળ વધારવો મુશ્કેલ બને છે.

રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં વિલંબ પાછળ બિલ્ડરોની બજારલક્ષી ચિંતાઓ પણ જવાબદાર છે. હાલમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સમાં વેચાયા વગરના મકાનોનો સ્ટોક વધ્યો છે. બીજી તરફ ભાડાં અને બાંધકામ સામગ્રીના ભાવમાં પણ વધારો થયો છે.

રિપોર્ટ મુજબ, ક્રેડાઈ અમદાવાદના એક હોદ્દેદારના જણાવ્યા અનુસાર, કાચા માલના ભાવમાં થયેલા ભારે વધારા અને તૈયાર મકાનોના વધતા સ્ટોકને કારણે બિલ્ડરો નવા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં સાવચેતી રાખી રહ્યા છે.

અમદાવાદમાં જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટની જરૂરિયાત સતત વધી રહી છે, પરંતુ સભ્યો વચ્ચે એકમતનો અભાવ, કાનૂની વિવાદો અને વધતા બાંધકામ ખર્ચને કારણે પ્રોજેક્ટની ગતિ ધીમી પડી છે. જો સોસાયટીઓમાં સમયસર સહમતિ, પારદર્શક કરાર અને ઝડપી નિર્ણય પ્રક્રિયા ઊભી કરવામાં નહીં આવે તો અનેક જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાંબા સમય સુધી અટવાયેલા રહેવાની શક્યતા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...