ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ ધારકો અને લાયસન્સ ધરાવતી લિકર શોપ્સ માટે વિદેશી દારૂના વેચાણમાં પારદર્શિતા અને નિયંત્રણ વધારવા રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ વિભાગ અને નશાબંધી-આબકારી નિયામક કચેરી દ્વારા વર્ષ 2026-27 માટેનું નવું ભાવપત્રક સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ નવા દરો 1 એપ્રિલ 2026થી અમલમાં આવી ગયા છે અને આગામી 31 માર્ચ 2027 સુધી લાગુ રહેશે.
રિપોર્ટ મુજબ, નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવપત્રક અનુસાર, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં 5થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની 636 બ્રાન્ડના ભાવમાં ફેરફાર કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા 2026-27 માટે વિદેશી દારૂના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આયાતી દારૂના વેપારમાં પારદર્શિતા લાવવાનો હેતુ છે. ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવા ભાવ પત્રક ઓનલાઈન મુકવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.
આ ભાવ વધારાની સીધી અસર રાજ્યના અધિકૃત લિકર શોપ અને પરમિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો પર પડશે. એક બોટલના તો 50 હજાર સુધીનો ભાવ છે, તો ટોપ 10 મોંધી બ્રાન્ડ 20 હજારથી આસપાસ છે. રાજ્યના ગૃહ વિભાગ અને નશાબંધી આબકારી નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ ભાવપત્રક તા. 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે અને માર્ચ 2027 સુધી માન્ય રહેશે.
રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિકારીઓને આ નવી ભાવસૂચિ મુજબ જ વેચાણ અને ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ એરપોર્ટ, સ્ટેટ બોર્ડર અને લાઈસન્સ ધરાવતા આઉટલેટ્સ પર પણ નવી દર સૂચિ અમલમાં મુકવામાં આવશે.
આ સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે ચેકિંગ અને દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે. હાલ સુધી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના જથ્થા કિંમત જૂના ભાવ અનુસાર ગણતરી કરવામાં આવતી હતી,
પરંતુ હવે આબકારી વિભાગના નવા પરિપત્ર અનુસાર, હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતી બોટલોની કિંમત નવા દર પ્રમાણે નક્કી કરશે, જેનાથી કુલ મુદ્દામાલના આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે. દરોડા દરમિયાન પકડાયેલ જથ્થાની બજાર કિંમત હવે નવી બ્રાન્ડ વાઈઝ યાદી મુજબ જાહેર કરાશે.


