અમદાવાદ : આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હજી ચૂંટણીને આડે એક વર્ષ જેટલો સમય બાકી છે પણ ભાજપના કાર્યકરોને લોકો સુધી પહોંચવા માટે નવી રણનીતી ઘડવામાં આવી રહી છે. ભાજપે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટે અનોખું આયોજન કર્યું છે.
રિપોર્ટ મુજબ, નવા વર્ષના પાવન અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં એક વ્યાપક અને સંગઠનાત્મક સ્નેહમિલન અભિયાન હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. આગામી 22 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે તમામ 182 વિધાનસભા બેઠકો પર વિધાનસભા વાઇઝ સ્નેહમિલન સમારોહ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ સંગઠન દ્વારા આ અંગે તમામ ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં જ હાજર રહીને સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લે.
આ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વર્ચ્યુઅલી જોડાઈને કાર્યકરોને સંબોધન કરશે. નવા વર્ષના સ્નેહમિલનના માધ્યમથી કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવાની સાથે સંગઠનની કામગીરીને વધુ વેગ આપવા અને આગામી રાજકીય પડકારો માટે કાર્યકરોને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ વિશેષ સ્નેહમિલન સમારોહના માધ્યમથી ભાજપ સીધો સામાન્ય જનતા અને મતદારો સુધી પહોંચશે તથા લોકસંપર્કને વધુ વ્યાપક બનાવશે.આ ઉપરાંત વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના પ્રચાર પ્રસાર માટે પણ આ સ્નેહમિલન સમારોહ એક અત્યંત પ્રભાવશાળી અને મહત્વનું રાજકીય માધ્યમ બની રહેશે.નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવાની સાથોસાથ પક્ષ સ્નેહમિલનના આ મંચ પરથી પ્રચાર અભિયાનને અત્યારથી જ વેગ આપશે.
આ અભિયાનને પાયાના સ્તરે લઈ જવા માટે ભાજપના તમામ ધારાસભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. કમલમ તરફથી મળેલી સ્પષ્ટ સૂચના મુજબ ભાજપના તમામ ધારાસભ્યોએ પોતાના સંબંધિત વિધાનસભા મતવિસ્તારમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. સમગ્ર ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર આ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવશે.તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં લોકસંપર્ક વધારવા માટે સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે.
અગાઉ ભાજપ દ્વારા અલગ-અલગ વિધાનસભા વિસ્તારોમાં જુદા-જુદા સમયે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવતું હતું. જોકે, આ વખતે પ્રથમ વખત રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર એક જ દિવસે સ્નેહમિલન યોજવાની યોજના બનાવવામાં આવી છે. એક જ દિવસે સમગ્ર રાજ્યમાં યોજાનારા આ કાર્યક્રમ થકી ભાજપ એકસાથે પોતાના સંગઠનની તાકાત અને કાર્યકરોની સક્રિયતા દર્શાવવાનો પ્રયાસ કરશે.


