અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રએ સુરક્ષા વ્યવસ્થાની સાથે ટ્રાફિકનું આયોજન પણ કર્યું છે. અંબાજીને જોડતા કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 14 નવેમ્બર સુધી અમલી રહેશે.
તંત્ર દ્વારા જાહેર કરાયેલા રૂટ મુજબ, હિંમતનગર તરફથી અંબાજી થઈને આબુ રોડ જતાં વાહનચાલકોએ હવે અંબાજીનો રસ્તો વાપરવાને બદલે હડાદ-પાલનપુર થઈને આબુ રોડ પહોંચવાનું રહેશે.બીજી તરફ, આબુ રોડથી અંબાજી થઈને હિંમતનગર તરફ જવા ઇચ્છતા વાહનચાલકોએ પણ અંબાજીનો માર્ગ ટાળવો પડશે. આવા વાહનો માટે પાલનપુર થઈને હિંમતનગર પહોંચવાનો વિકલ્પ સૂચવવામાં આવ્યો છે.
અંબાજી ખાતે દર્શન માટે આવતા માઈભક્તોને પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
હિંમતનગર તરફથી આવતા શ્રદ્ધાળુઓ: હડાદ-દાંતા માર્ગે અંબાજી પહોંચી શકશે.
પાલનપુર તરફથી આવતા શ્રદ્ધાળુઓ: બાલારામ-વિરમપુર થઈને પાલનપુર-દાંતા માર્ગનો ઉપયોગ કરી અંબાજી પહોંચી શકશે.
આથી દર્શન માટે નીકળતા ભક્તોએ મુસાફરી પહેલાં રૂટની માહિતી મેળવી લેવી અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમયનું આયોજન કરવું હિતાવહ રહેશે.
વડાપ્રધાનની અંબાજી મુલાકાતને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલું ટ્રાફિક જાહેરનામું 14 નવેમ્બર સુધી અમલી રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ પ્રતિબંધિત માર્ગોનો ઉપયોગ કરવાને બદલે સૂચવાયેલા વૈકલ્પિક રસ્તાઓ અપનાવવા પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 નવેમ્બરની રાત્રે અમદાવાદ પહોંચશે અને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 14 નવેમ્બરની સવારે આશરે 10 વાગ્યે તેઓ હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી બનાસકાંઠા જવા રવાના થશે.
અંબાજી પહોંચ્યા બાદ વડાપ્રધાન દર્શન અને પૂજાવિધિમાં ભાગ લેશે. તેમની મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન સામાન્ય નાગરિકો અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.


