ગાંધીનગર : ગુજરાતમાં થેલેસેમિયાના વધતા કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. જે મુજબ લગ્નની નોંધણી વખતે પતિ અને પત્નીનું થેલેસેમિયાનું સર્ટિફિકેટ પણ સાથે જોડવું પડશે. આ સર્ટિફિકેટ માન્યતા પ્રાપ્ત તબીબ પાસેથી લઈને નોંધણીના દસ્તાવેજોની સાથે જોડવાનું રહેશે. આગામી દિવસોમાં આ નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે, લગ્ન કરનારા પતિ અથવા પત્નીમાંથી કોઈને પણ થેલેસેમિયાનો રોગ હોય તો આવા દંપતીથી જન્મનારા બાળકને પણ થેલેસેમિયાની બીમારી થવાની શક્યતા 25 ટકા રહેલી છે. પુરુષ અને સ્ત્રી બંને થેલેસેમિયા માઈનર હોય તો બાળક થેલેસેમિયા મેજર જન્મે તેવી શક્યતા 50 ટકા રહેલી છે. આવા બાળકનું આયુષ્ય ઓછું હોય છે અને તે વધારે જીવી શકતા નથી.
થેલેસેમિયા શું છે?
તમને જણાવી દઈએ કે, થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જેમાં શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનાવવામાં નિષ્ફળ જાય છે. તો બીજીતરફ થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિની અસ્થિમજ્જાથી લોહતત્વનું હિમોગ્લોબીનમાં રૂપાંતર થઇ શકતું નથી. જેના કારણે શરીરના અન્ય અવયવોને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન નથી મળતો અને અવયવોની કાર્ય કરવાની ક્ષમતા પર તેની અસર પડે છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આપણા લોહીમાં લાલ રક્ત કણમાં હિમોગ્લોબીન નામનું એક પ્રોટીન હોય છે, જે માનવ શરીરના દરેક અંગો સુધી ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. આપણે જે ભોજન લઈએ છીએ તેમાંથી લોહતત્વ મળે છે અને હાડકા વચ્ચે રહેલી અસ્થિમજ્જા આ લોહતત્વને હિમોગ્લોબીનમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના શરીરના અવયવો નબળા પડતા અંતમાં તેમણે અનેક સમસ્યાઓ અને બીમારીઓનો સામનો કરવો પડે છે.