નવી દિલ્હી : પૂર્વ PM મનમોહન સિંહનું દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આજે સાંજે તેમની તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે સાંજે બગડતી તબિયતના કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભારતના 14મા વડાપ્રધાન મનમોહન સિંહને દેશમાં આર્થિક સુધારાના પિતા માનવામાં આવે છે. PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના નિધનથી દેશ દુઃખી છે. ભારતના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક હતા.દેશની પ્રગતિમાં મનમોહન સિંહનું અતુલ્ય યોગદાન રહ્યું છે.
શિક્ષણનો અધિકાર કાનૂન (2009)
ડો. સિંહની સરકારે દરેક 6થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપ્યો. આ કાયદો બાળકોને તેમના મૌલિક અધિકાર આપવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થયો.
માહિતીનો અધિકાર (2005)
આ કાયદાએ દરેક ભારતીય નાગરિકને સરકારી માહિતી સુધી પહોંચવાનો હક આપ્યો, જેનાથી પારદર્શિતા અને જવાબદારી પાક્કી કરી.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (2013)
આ કાયદા દ્વારા દેશના 2/3 પરિવારોને સસ્તા દરે ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. આ પગલાથી ગરીબી રેખાથી નીચે જીવતા દરેક પરિવાર માટે વરદાનરૂપ સાબિત થયું.
ભૂમિ અધિગ્રહણ કાયદો (2013)
વિકાસ પ્રોજેક્ટ માટે ભૂમિ અધિગ્રહણ કરવા પર પ્રભાવિત લોકોને યોગ્ય વળતરની ખાતરી આપવામાં આવી.
વન અધિકાર કાયદો (2006)
આદિવાસી સમુદાયને તેમના પરંપરાગત ભૂમિ અધિકાર પાછા અપાવવા માટે ઐતિહાસિક પગલું હતું.
મનરેગા (2005)
ડો. સિંહની સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ લાગુ કર્યો, જેણે દરેક ગ્રામીણ પરિવારને વર્ષમાં 100 દિવસના રોજગારનો અધિકાર આપ્યો.