ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ભારતીય સ્ટેટ બેંક સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે દંડની ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે દંડની ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આ નવી સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 1લી ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2025 સુધીના સમયગાળામાં રૂ. 18.08 લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન આ સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો છે. BBPS મારફતે ચુકવણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અગાઉ વર્ષ 2023 થી “One Nation One Challan” એપ્લિકેશન દ્વારા નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS મારફત દંડ ભરવાની સુવિધા હતી. હવે તેમાં વધારો કરીને ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો (YONO) એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકે છે.
ચુકવણી કરવા માટે, એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. આ પગલું “ડિજિટલ ગુજરાત”ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે.


