ગાંધીનગર : ગુજરાતને ‘ડ્રગ્સ મુક્ત’ (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી (ગૃહ) હર્ષ સંઘવી (Harsh Sanghvi) ના સીધા માર્ગદર્શન હેઠળ, ગુજરાત પોલીસની ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ (ANTF) દ્વારા એક મહત્વપૂર્ણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ડ્રગ્સના કાળા કારોબારને ડામવા માટે હવે સામાન્ય જનતાને પણ જોડવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ સંબંધિત બાતમી આપવા માટે એક વિશેષ WhatsApp Number જાહેર કર્યો છે.
હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે છે. ગુજરાત પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવે છે કે, આ નંબર પર ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી માહિતી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે.
ANTF ગુજરાત પોલીસ ડ્રગ્સ ટ્રાફિકિંગ રોકવા, શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જોડાવા માટે સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર antfgujarat, X(ટ્વિટર) પ્લેટફોર્મ પર @antfgujarat અને ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર @antf_gujaratને ફોલો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.


