ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક મોટો અને જનતાલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ હસ્તકની વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓને હવે દંડનીય વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.
મુખ્યમંત્રી સમક્ષ આવા લાભાર્થીઓએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના અંદાજે 9,029 થી વધુ ગ્રામ્ય કુટુંબોને સીધો આર્થિક ફાયદો થશે. ઘણા સમયથી બાકી રહેતા હપ્તાઓને કારણે લાભાર્થીઓ પર વ્યાજનું ભારણ વધી ગયું હતું. મુખ્યમંત્રીએ આ સમસ્યાને સમજીને વન-ટાઇમ માફીની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કુલ રુ.154 કરોડની દંડનીય વ્યાજ રાહત મંજૂર કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. જે લાભાર્થીઓ આગામી 6 મહિનાના સમયગાળામાં પોતાની બાકી રહેલી સંપૂર્ણ મૂદ્દલ રકમની ચૂકવણી કરી દેશે, તેમને 2 ટકા જેટલા દંડનીય વ્યાજમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ પરિવારો આર્થિક દેવામાંથી મુક્ત થાય અને સન્માનપૂર્વક પોતાના ઘરમાં રહી શકે.
ઘણા કિસ્સાઓમાં, રકમ બાકી હોવાને કારણે લાભાર્થીઓને મકાનના કાયદેસરના દસ્તાવેજો કે માલિકી હક્ક મળી શકતા નહોતા. હવે, આ યોજના દ્વારા મૂદ્દલની રકમ પૂર્ણ થતા જ લાભાર્થીઓને તેમના મકાન પર કાયદેસરનો માલિકી હક્ક પ્રાપ્ત થશે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


