ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે રામકથા મેદાનમાં ‘અભ્યુદય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું.
અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે,આજે રાજકીય પાર્ટીઓના નેતાઓ એક મંચ પર આવ્યા છે અને મારો સમાજ જાગી ગયો છે. 26 જાન્યુઆરી, 2016ના રોજ વ્યસનમુક્તિની વાત કરતાં લોકો હસતા હતા, પરંતુ અમે વ્યસનમુક્તિની વિચારધારા મૂકી હતી. આજે ઠાકોર સમાજના યુવાનોએ મારી વાત ઘરે-ઘરે પહોંચાડી છે અને રાજ્યના ગામડાઓમાં 90થી 95 ટકા લોકો વ્યસનમુક્ત થયા છે. જો વર્ષો પહેલાં વ્યસનમુક્તિ થઈ હોત તો આજે અડધી જમીન ઠાકોર સમાજની હોત. વ્યસનમુક્તિની સફળતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજને સંબોધતા કહ્યું કે, શિક્ષણની વાતમાં મારો સૂર પૂરાવું છું. આપણે ક્યા પરિબળો સામે લડવાનું છે. કયા પરિબળો આપણા વિકાસને રુંધે છે. નિરક્ષરતા, કુપોષણ, બેરોજગારી અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરી લડવાનો સંકલ્પ કરવાનો છે. આ પરિબળો આપણને આગળ જતા અટકાવે છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ. સમાજને એક કરવાની વાત આવે. જેના અન્ન ભેગા એના મન ભેગા. વર્ષો પહેલા સમાજો ભેગા આવ્યા, ન્યાય કે અન્યાય સહન કરી સમાજને આગળ વધારવા પરિશ્રમ કર્યો. એ સમાજો પરથી શીખ લઈ આપણો સમાજ પરિશ્રમ કરતો થાય, અન્ય સમાજ પરથી પ્રેરણા લઈએ. કોઈ પણ ક્રાંતિ એક દિવસે નથી આવતી. સુખી સંપન્ન સમાજનું એનાલિસીસ કરો અને અનુકરણ કરો. પરિવારો સંઘર્ષ વર્ષો કરે પછી આગળ વધે છે. સંગઠને ઠાકોર સમાજને જોડવા માટેની ઓળખ આપી છે.
તો કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવ ઠાકોરે કહ્યું કે, સ્ટેજ પર ભાજપ, કોંગ્રેસ અને આપ પક્ષના આગેવાનો બેઠા છે. બધાએ ચિંતા કરી કે સમાજને એક કરવા માટે સ્ટેજ પર આવવું પડશે. જો અલગ રહીશું તો છુટા પડી જવાશે. સમાજને વેગવંતો બનાવો હોય તો સત્તા વિના શક્ય નથી. સત્તા પણ તમારી પાસે હોવી જરૂરી છે. સરકાર તરફથી જમીન ફાળવવામાં આવી છે. જમીન માટે જે પૈસા ભરવા મને કહેજો. 30 કરોડ જમીન માટે આપવાના છે, રકમ મોટી છે, જો ટોકન રકમ આપી હોત તો સારું રહ્યું હોય. સમાજની વાત આવે તો પુરુષોતમ સોલંકી યાદ કરવા પડે. સમાજની વાત આવે ત્યારે પુરુષોતમ સોલંકી બનવું પડશે.
કલાકાર વિક્રમ ઠાકોરે કહ્યું કે, આપણો સમાજ એવો છે કે આટલી રાત્રે આપણે એકત્ર થયા. અલ્પેશભાઈએ સમાજ માટે કર્યું છે. વર્ષોથી સમાજ માટે સેવા કરી તે બદલ અભિનંદન. આજે લગ્નનો પ્રોગ્રામ હતો પણ મેં સમાજના સંમેલન માટે વહેલા ફ્રી કરવા કહ્યું તો મને રજા આપી. સમાજ આવી રીતે એક રહે. ગેનીબેને મને બોલાવ્યો હતો પણ કોઈ કારણસર ન હતો ગયો, તો માફી માંગું છું. નાના ઘરમાંથી એક ઠાકોરને દીકરો સુપરસ્ટાર થયો છે. તમારા આશિર્વાદ છે. તમે છો તો હું અને અલ્પેશભાઈ છીએ. ગેનીબેનને એક વિનંતી કરવી છે. થોડા દિવસ પહેલા તમે બંધારણ બનાવ્યું સારી બાબત છે. સમાજ માટે તમે કેટલીક બાબતો મૂકી છે. મને ઘણા લોકોના ફોન આવ્યા છે. ડીજેવાળાના ફોન આવતા હતા. એમના ઘર એના પર ચાલે છે તમે આગેવાનો છો રસ્તો કાઢજો તો એમનું ઘર ચાલે.
દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોરે આ પ્રસંગે કહ્યું કે, મેસેજ આપવાનો છે કે હવે જાગ્યા છીએ. સમાજ શક્તિશાળી બનાવવો હોય તો જાતને સશક્ત બનાવવી પડે. સમયની માંગ છે કે સમાજની રીત રિવાજો બદલાવ લાવે. લગ્નમાં ખોટા ખર્ચ થતા અટકે અને એના પૈસા શિક્ષણ પાછળ ખર્ચાય એની ચિંતા કરવાની છે.
આ સંમેલનમાં સાસંદ ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સાસંદ બારીયા, ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કેશાજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. તો આ ઉપરાંત કલાકાર વિક્રમ ઠાકોર, ભરત બારીયા, કીર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરની ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી હતી. તેઓ વિક્રમ ઠાકોરને સાથે લઈને આવ્યા હતા. અલ્પેશ ઠાકોરે આવતાની સાથે જ સમાજને સંદેશ આપ્યો હતો.
ઠાકોર સમાજમાં રહેલી વિવિધ બદીઓને દૂર કરવા માટે 10 વર્ષ પહેલા 2016માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને આજે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 10 વર્ષમાં નોંધપાત્ર સુધાર લાવવામાં સફળતા મળી હોવાનો ઠાકોર સેના દ્વારા દાવો કરાયો છે. સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, સ્વાભિમાન અને વ્યસન મુક્તિના મક્કમ ઈરાદા સાથે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમ દરમિયાન અડાલજમાં બનનાર શ્રી સરસ્વતી ધામ પ્રોજેક્ટની જાહેરાત સાથે ભૂમિપૂજન પણ કરાયું.


