જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દાખવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામનગરના એક પરિવારે કરેલી વિનંતીને માન આપીને, મુખ્ય પ્રધાને સંવેદનશીલતા દાખવી પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું હતું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ કોઈ પણ અવરોધ વિના શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા.પરિવારમાં રૂડો અવસર હતો.હરખ મા’તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા.24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે.
આ ચિંતાને લઈને પરિવારે મુખ્ય પ્રધાન કાર્યાલય સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તુરંત સંવેદનશીલતા દાખવી અને કહ્યું હતું, “આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે.” મુખ્ય પ્રધાનના આ આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી નાખવામાં આવ્યું હતું.
બ્રિજેશ પરમાર મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહે છે.” લગ્ન ગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રીશ્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા. આ ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે ‘ઉત્તમ માણસ’ છે.તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.
આ અંગે વાત કરતા દીકરીના કાકા બ્રિજેશભાઈ પરમારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અને નવી વ્યવસ્થાઓ ઊભી કરવી અમારા માટે અઘરું હતું, પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને તેમણે હૈયાધારણ આપી કે લગ્ન શાંતિથી ટાઉનહોલ ખાતે જ કરો. અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.”


