ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્ષનો સમાવેશ થાય છે. આ કોર્ષ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસિડેન્શિયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે.
આ નર્સિંગ વિષયના કુલ આઠ કોર્ષમાં ક્રીટીકલ કેર, ઈમરજન્સી – ડિઝાસ્ટર, નીઓન્ટલ, ઓર્થો અને રીહેબીલેશન, બર્ન-રીકન્સ્ટ્રક્ટીવ, કાર્ડીઓલોજી, ઓનકોલોજી તથા સાઈકીઆટ્રીકનો સમાવેશ થાય છે. જેમાં તેઓ નિષ્ણાંત થઈને દર્દીઓને વધુ સારી સારવાર આપી શકે છે. આ કોર્ષની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી હોસ્પિટલોમાં દર્દીલક્ષી સંભાળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓના ધ્યેયને વધુ મજબૂત બનાવી શકાય.
આ કોર્ષમાં રાજ્ય સરકાર અને GMERS સંચાલિત સંસ્થાઓમાં ફરજો બજાવતાં હોય તેવા કર્મચારીઓ તેમજ અન્ય ઇચ્છુક ઉમેદવારો પણ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને વધુ આધુનિક, કાર્યક્ષમ અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે તેમ આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની યાદીમાં જણાવાયું હતું.
આ કોર્સ સ્ટાફ નર્સને ચોક્કસ તબીબી શાખાઓમાં ઊંડી સમજ અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડશે. આ એક વર્ષના વિશેષજ્ઞ કોર્ષ પૂર્ણ કર્યા બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સની કામગીરીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી દર્દીઓને વધુ સારી અને કુશળ સારવાર મળી શકશે. આ કોર્સમાં થિયરી કરતાં પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
21 નવેમ્બર 2025 સુધી અરજી કરી શકશે
આ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી જે તે સંસ્થાની વેબસાઈટ પર તારીખ 21 નવેમ્બર 2025 સુધી અરજી કરી શકશે. માર્ગદર્શિકા પ્રમાણે જે તે નર્સિંગ કોલેજ – મેડિકલ કોલેજ દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


