ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડા (ઉ.વ.39) હતું, જેઓ ગાંધીનગર SOGમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરેન્દ્રસિંહ ચાવડા ડીઆઈજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા હતા અને તેમની નોકરી SOGમાં હતી. તેઓ 9 નવેમ્બર, રવિવારના રોજ સવારે તેમની પત્ની અને બાળકોને તેમના સાસરી કોલવડા ખાતે મૂકીને ગાંધીનગર ફરજ પર ગયા હતા.નરેન્દ્રસિંહ ચાવડાએ માણસા તાલુકાના હરણા હોડા ગામમાં આવેલા પોતાના નિવાસસ્થાનો ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ માણસા તાલુકાના હરણા હોડા ગામમાં પિતા સાથે રહેતા હતા.
તેમણે કયા સંજોગોમાં અને કયા દબાણ હેઠળ આ પગલું ભર્યું તે અંગે જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. કોન્સ્ટેબલના આપઘાત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
યુવાન કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં શોકની લાગણી ફરી વળી છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આત્મહત્યા પાછળના સાચા કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


