અમદાવાદ : શહેરના નવરંગપુરામાં પંજાબી હોલ પાસે સુર્વણ કલા કોમ્પ્લેક્ષમાં આવેલા આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખની લૂંટ ચલાવી પ્લસર બાઈક પર આવેલા બે લૂંટારૂ ફરાર થઈ ગયેલ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 લાખની લૂંટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 35 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે, આરોપીઓને પકડવા માટે પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા.
પોલીસે પકડેલા બંને આરોપીએના નામ વિશાલ સિંધી અને પ્રતિક પાનવેકર હોવાનું જાણવા મળ્યું છે. વિશાલ પોતાની ગેંગ ચલાવે છે. તેને એવો વહેમ હતો કે, તેને પોલીસ ક્યારેય પકડી શકે નહીં. આરોપીએ ગત 28 એપ્રિલે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાંથી 50 લાખની લૂંટ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી આણંદ ભાગી ગયા હતા.આરોપીઓએ લૂંટ કર્યા બાદ રૂપિયા અંદરોઅંદર ભાગ પાડી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ એટલા ચાલાક છે કે લૂંટ કર્યા બાદ બીજા જિલ્લામાં જતા રહ્યા હતા અને એ પણ હાઈવે નહીં પરંતુ અંદરના રસ્તે જતાં હતાં.
આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વારંવાર કપડાં, જૂતા બદલી લેતા હતા અને ચેહરો ના આવે તેનું પણ ધ્યાન રાખતા હતા. આરોપીઓને પકડવા પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા. આરોપી વિશાલે લૂંટના રૂપિયાથી એક બાઈક પણ લીધી હતી. મહત્વનું છે કે, આરોપીઓ 3થી વધુની ગેંગમાં રેકી કરી અને ત્યારબાદ ઘટનાઓને અંજામ દેતા હતા. નોંધનીય છે કે, આરોપી વિશાલ સિંધી આગાઉ પણ 2 લૂંટ કરી ચૂક્યો હતો, પરંતુ પકડાયો નહોતો. જેથી તેને એવું હતું કે, તેને કોઈ પકડી શક્શે નહીં. હાલ પોલીસ ફરાર અન્ય આરોપી પવન સિંધી અને અને અન્ય એક આરોપીની શોધખોળ કરી રહી છે.