અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર આવેલુ ઈસ્કોન મંદિર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના કથિત બ્રેઈન વોશ થતુ હોવાના આક્ષેપ સાથે અરજી કરવામાં આવી છે. પિતાનો આક્ષેપ છે કે શહેરના ઇસ્કોન મંદિરે તેમની દીકરીનું બ્રેઈનવોશ કર્યું છે. દીકરી ઇસ્કોન મંદિરના પૂજારીના કબજામાં છે. તેને રોજ ડ્રગ્સ-ગાંજો આપવામાં આવે છે. દીકરીને પાછી મેળવવા માટે પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા નિવૃત્ત આર્મી જવાને ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મંદિરના પૂજારી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારની દીકરીને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જૂન મહિનામાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે યુવાન દીકરીને ભગાડી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. હાઈકોર્ટમાં કરેલી રજૂઆત અનુસાર 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ દીકરીને ભગાડી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
અગાઉ પણ ગુરુએ પોતાના શિષ્ય સાથે દીકરીના લગ્નની વાત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલગ જ્ઞાતિ હોવાથી અરજદારે દીકરીના લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો . હાલ ઉત્તર પ્રદેશના મથુરામાં અરજદારની દીકરી હોવાની માહિતી અરજદારને મળી હતી. જેના પગલે અરજદારે પોલીસ કમિશનર, કાયદા અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપી છે.