અમદાવાદ : શહેરના શીલજ સર્કલ નજીક પૂરઝડપે દોડી રહેલી લક્ઝુરિયસ રેન્જ રોવર કારે રેપિડો બાઈકને ટક્કર મારતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસ તપાસમાં કારચાલકની ઓળખ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહ તરીકે થઈ છે. પોલીસે તેની કાર સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવાની સાથે રેપિડોમાં મોટો કેબ ચલાવતા 50 વર્ષીય પ્રદીપ ડરવાલ 11 નવેમ્બરના રોજ વહેલી સવારે રાઈડ માટે નીકળ્યા હતા. તેમને ઘાટલોડિયામાં શીલજ સર્કલ તરફની રાઈડ મળતા હર્ષદ પુરબિયા નામના વ્યક્તિને બાઈક પર બેસાડ્યા હતા.
ગ્રાહક હર્ષદભાઈને લઈને પ્રદીપભાઈ શીલજ સર્કલથી આગળ પહોંચ્યા ત્યારે પૂરઝડપે આવતી એક લક્ઝુરિયસ રેન્જ રોવર કારના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ પ્રદીપભાઈ અને હર્ષદભાઈ રોડ પર પટકાયા, જેમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. યુવક હર્ષદભાઈને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેમનું મોત થયું હતું.
બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ આરોપી ચાલક કાર સાથે ત્યાંથી નાસી ગયો હતો. પરંતુ એક વ્યક્તિએ કારનો નંબર લખી લીધો હતો. હર્ષદભાઈના મોત મામલે પ્રદીપભાઈએ કાર નંબરના આધારે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે કારના નંબર તથા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે હિટ એન્ડ રન અકસ્માત સર્જનાર આરોપી રાઘવેન્દ્ર કુશવાહ એ બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે. બોપલ પોલીસે હિટ એન્ડ રનના આ કેસમાં આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કર્યા બાદ તેને પોલીસ સ્ટેશનથી જ જામીન પણ આપી દીધા હતા.


