અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર ઝેરી ગેસ લીકેજની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરના એસજી હાઈવે પર સોલા ભાગવત નજીક ક્લોરિન ગેસનો બાટલો લીક થતા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી હતી. ઘટનાના પગલે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કાર્યરત બની હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોલા વિસ્તારમાં આર.સી. ટેકનિકલ રોડ પર આવેલા માધવ ઔડા ગાર્ડન નજીક એક અજાણ્યા શખ્સે ક્લોરિન ગેસનો બાટલો ફેંકીને ફરાર થયાની માહિતી સામે આવી છે. બાટલો ધરતી પર પડતા જ ગેસ લીક થવા લાગ્યો હતો. નજીકના વિસ્તારોમાં ક્લોરિન ગેસની અસર વર્તાઈ રહી હોવાથી નજીકની રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી છે અને લોકોને બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોએ આંખમાં અસહ્ય બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા તાત્કાલિક મદદ માટે પોલીસ અને ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો.
સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી ક્લોરિન ગેસને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને પણ ગેસની અસર થતાં તેમને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


