અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે વરસાદે ફરી એકવાર તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું. એક થી બે કલાક દરમિયાન જ શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.ભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
રિપોર્ટ મુજબ, દક્ષિણ-પશ્ચિમ ઝોન: સૌથી વધુ સરેરાશ 76 મિમીથી વધુ વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં નોંધાયો હતો. જેમાં સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 126.50 મિમી (આશરે 5 ઈંચ) અને જોધપુર-બોપલ આસપાસના વિસ્તારોમાં 104.50 મિમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાણંદ રોડ/સરખેજ વિસ્તારમાં 92 મિમી તેમજ બોપલમાં 66 મિમી વરસાદ નોંધાયો છે.
પશ્ચિમ ઝોન: પશ્ચિમ ઝોનમાં સરેરાશ 79.86 મિમી (3 ઈંચથી વધુ) વરસાદ ખાબક્યો છે. જેમાં નવરંગપુરામાં સૌથી વધુ 103 મિમી (4 ઈંચ), વાસણામાં 98 મિમી, ઉસ્માનપુરામાં 71.50 મિમી, રાણીપમાં 74.50 મિમી અને ટાગોર કંટ્રોલ ખાતે 86 મિમી વરસાદ નોંધાયો હતો
ઉત્તર-પશ્ચિમ ઝોન: બોડકદેવમાં 71.50 મિમી, ચાંદલોડિયામાં 79 મિમી, થલતેજમાં 67 મિમી અને મેમનગરમાં 84 મિમી વરસાદ વરસ્યો હતો.
પૂર્વ અને દક્ષિણ ઝોન: લાંભામાં 84.50 મિમી, મણિનગરમાં 64.50 મિમી, વિરાટનગરમાં 60.50 મિમી અને ચકુડિયામાં 61 મિમી વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે શાળાઓને સૂચના આપવામાં આવી છે. પોતાની વિવેકબુદ્ધિથી જરૂર લાગ્યે શાળામાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા શહેરની તમામ શાળાઓને સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો રજા જાહેર કરવા પણ સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપવા શાળા સંચાલકોને સૂચના અપાઈ છે.
મેઘરાજાની તોફાની ઇનિંગે અમદાવાદને બાનમાં લીધુ છે. પાણીમાં વાહન ચાલકો ફસાતા ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ જાય તેવી સ્થિતી જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની આગોતરી આયોજનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનો ગટર અને વરસાદી પાણીની લાઈનની સફાઈ પાછળ ખર્ચો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીથી લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે.


