અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠક શુક્રવારે 18 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં યોજાતી બેઠકમાં રજૂ થયેલા વિવિધ કામો અને શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદ અને તેના કારણે વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠકમાં ગંભીર ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા અને પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તંત્ર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ અમદાવાદ શહેરના અલગ-અલગ ઝોનમાં કુલ 148 જેટલા સ્થળોને ‘વોટર લોગિંગ સ્પોટ’ (પાણી ભરાતા સંવેદનશીલ વિસ્તારો) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વરસાદ દરમિયાન આ સ્થળો પર પાણી ઝડપથી ભરાઈ જવાની અને વાહનવ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા વારંવાર સામે આવતી હોય છે.
સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેનશ્રીએ જણાવ્યું કે, જાહેર કરાયેલા 148 વોટર લોગિંગ સ્પોટ પૈકીના ઘણા વિસ્તારોમાં હજુ સુધી સીસીટીવી (CCTV) કેમેરાનું નેટવર્ક ઉપલબ્ધ નથી. જેના કારણે વરસાદ સમયે વાસ્તવિક સ્થિતિનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં મુશ્કેલી પડે છે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્ટેન્ડિંગ કમિટીએ તમામ વોટર લોગિંગ સ્પોટ પર તાત્કાલિક કેમેરા લગાવી કંટ્રોલ રૂમથી સીધું સુપરવિઝન કરવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપી છે.
આ વ્યવસ્થાના અમલ બાદ કંટ્રોલ રૂમમાંથી વોટર લોગિંગ સ્પોટ પર કેટલું પાણી ભરાયું છે, તેમજ સંબંધિત સ્થળે અધિકારી કે કર્મચારી હાજર છે કે નહીં તેની પણ સીધી દેખરેખ રાખી શકાશે. હાલમાં જે સ્થળોએ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે ત્યાંની વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવશે, જ્યારે બાકીના તમામ વોટર લોગિંગ સ્પોટ પર તાત્કાલિક અસરથી કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે.


