અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફની તબીબી નિપુણતા, આધુનિક સારવાર અને દિવસ-રાતની મહેનતને પરિણામે અત્યંત નાજુક અને ગંભીર સ્થિતિમાં રહેલા બે નવજાત શિશુઓને નવજીવન મળ્યું છે. લાંબી અને સઘન સારવાર બાદ બંને બાળકો પૂર્ણપણે સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
પ્રથમ કિસ્સામાં, ગર્ભાવસ્થાના માત્ર 26મા અઠવાડિયે જન્મેલા બાળકના ફેફસાં અને અન્ય મહત્ત્વના અંગો અપરિપક્વ હોવાથી જન્મ સાથે જ તેને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી. ડિલિવરી રૂમથી જ કૃત્રિમ શ્વાસની વ્યવસ્થા કરી બાળકને NICUમાં ખસેડવામાં આવ્યું હતું. દૂધ ન પચવાના કારણે શરૂઆતમાં નસ મારફતે જરૂરી પોષણ પૂરું પડાયું હતું.

ધીમે ધીમે બાળકની સ્થિતિ સુધારા પર આવતાં ચમચી-વાટકીથી માનું દૂધ આપવાનું શરૂ કરાયું. સારવારના 81મા દિવસથી બાળકે વધારાના ઓક્સિજન વિના કુદરતી શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું. 84 દિવસની સઘન સારવાર બાદ બાળકનું વજન 1.8 કિલોગ્રામ થયું હતું. RSV સામે રક્ષણ આપતી દવા અને શ્રવણ શક્તિની જરૂરી તપાસ બાદ બાળકને સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી.
બીજા કિસ્સામાં, 39 અઠવાડિયાના પૂર્ણ ગર્ભકાળ બાદ ચીપિયાની મદદથી પ્રસૂતિ દ્વારા જન્મેલા બાળકને જન્મતાની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થતાં NICUમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં જ બાળકને ગંભીર ચેપ, મગજમાં લોહી ગંઠાઈ જવું અને ખેંચ આવવા જેવી અત્યંત જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને કૃત્રિમ શ્વાસ આપવા માટે શરૂઆતમાં CPAP અને ત્યારબાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. સઘન સારવાર દરમિયાન બાળકને આઠ દિવસ વેન્ટિલેટર, દસ દિવસ CPAP અને છ દિવસ HFNC સપોર્ટની જરૂર પડી હતી. તબીબી ટીમની સતત સંભાળથી ધીમે ધીમે શ્વાસની તકલીફમાં સુધારો થતાં બાળક વધારાના ઓક્સિજન વિના કુદરતી રીતે શ્વાસ લેતું થયું હતું.
સારવાર દરમિયાન બાળકના લોહી અને CSF (મગજ તથા કરોડરજ્જુની આસપાસ રહેલા પ્રવાહી)ના કલ્ચર રિપોર્ટમાં ‘મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયલ ચેપ’ હોવાની પુષ્ટિ થઈ હતી. NICU ઇન્ચાર્જ ડૉ. ચારુલ મહેતા, ડૉ. અનુયા ચૌહાણ, ડૉ. માનસી શાહ તથા ડૉ. કોમલ ચૌધરી સહિતની તબીબી ટીમે નર્સિંગ સ્ટાફના સહયોગથી બાળકની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરી યોગ્ય સારવાર પૂરી પાડી હતી. રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અનુસાર ચેપની ગંભીરતા અને કલ્ચર રિપોર્ટને ધ્યાનમાં રાખીને જરૂરી એન્ટિબાયોટિક્સનો યોગ્ય સમયગાળા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લાંબા સમયની સારવાર દરમિયાન શરૂઆતમાં બાળકને નસ મારફતે પોષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રાઇલ્સ ટ્યુબ દ્વારા દૂધ આપવાનું શરૂ કરાયું અને ધીમે ધીમે બાળકે માતાનું ધાવણ લેવાનું શરૂ કર્યું હતું. તબીબી ટીમની સઘન સારવાર અને સતત દેખરેખના પરિણામે ગંભીર ચેપ સામેની લડત બાદ બાળકની શ્વાસની સ્થિતિ પૂર્ણપણે સ્થિર થઈ હતી અને તેને સ્વસ્થ હાલતમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઉપરના બંને કિસ્સાઓમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના ખર્ચે થતી સારવાર સિવિલમાં સંપૂર્ણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતા બંને બાળકોના માતાપિતાએ સિવિલ હોસ્પિટલની તબીબી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા
આ બંને કેસની ગંભીરતા અને તબીબી ટીમોના અવિરત પ્રયાસો વિશે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે બંને કેસમાં નવજાત શિશુઓની જટિલ બીમારીઓમાં સમયસર નિદાન, આધુનિક સારવાર અને તબીબી ટીમની સમર્પિત મહેનતના પરિણામે શિશુઓને અત્યંત નાજુક સ્થિતિમાંથી બહાર લાવીને સંપૂર્ણ સ્વસ્થ કરીને ઘરે મોકલવામાં સફળતા મળી છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ પરિવાર માટે આ સંતોષ અને ગૌરવની ક્ષણ છે.


