અમદાવાદ : અમદાવાદમાં નવરાત્રિથી દિવાળી સુધી તહેવારોની ઉજવણીનો માહોલ જોવા મળશે, ત્યારે શહેરના બજારોમાં પણ રાત્રિના મોડા સમય સુધી ખરીદી ચાલુ રહેશે. તહેવારો દરમિયાન બજારોમાં વધતી ભીડ અને મોડે સુધી ખુલ્લી રહેતી દુકાનોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરોગ્ય વિભાગને આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન ફૂડ સ્ટોલ્સ અને બજારોમાં ગતિવિધિ વધવાની શક્યતા હોવાથી ફૂડ માર્કેટમાં તપાસની કામગીરી સઘન બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.દિવસ દરમિયાનની નિયમિત તપાસ ઉપરાંત, આરોગ્ય અધિકારીઓને રાત્રિ દરમિયાન પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે નાગરિકોને વેચવામાં આવતો ખોરાક ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષાના નિર્ધારિત ધોરણોને અનુરૂપ હોય.
આ ઉપરાંત ફટાકડાની દુકાનો પર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. દુકાનદારો પાસે જરૂરી પુરાવા, મંજૂરી અને સંબંધિત દસ્તાવેજો છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ દુકાનદાર પાસે જરૂરી પુરાવા કે મંજૂરી નહીં હોય તો નિયમ મુજબ દુકાન સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
હવે જોવાનું એ રહેશે તંત્ર દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન કેટલી ગેરરીતિ પકડાય છે. આ સાથે તંત્ર દ્વારા ખાણીપીણીના નમૂના સમયસર લેવાય અને તેટલી જ ઝડપે કાર્યવાહી થાય તેની પર પણ સૌની નજર રહેશે. સામાન્ય રીતે તહેવાર દરમિયાન લીધેલા સેમ્પલના પરિણામ ઘણીવાર તહેવાર પછી આવતા હોય ત્યારે કાર્યવાહી અર્થહીન બનતી હોય છે.


