અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આધાર આધારિત વેરિફિકેશન ક્ષેત્રે કરવામાં આવેલી ટેકનોલોજી આધારિત કામગીરી બદલ વિશેષ રાષ્ટ્રીય સન્માન મળ્યું છે. કોલકાતામાં યોજાયેલા ‘આધાર કોંકલેવ’ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સંમતિ આધારિત આધાર વેરિફિકેશન માટે કરવામાં આવેલી કામગીરીની નોંધ લેતાં ‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, સુરક્ષા અને ગુના નિવારણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના સફળ ઉપયોગ બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ‘યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના ‘આધાર કોંકલેવ’માં પ્રશંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. કોલકાતા ખાતે આયોજિત આ ભવ્ય સમારંભમાં ક્રાઈમ બ્રાન્ચને ‘સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ’ (વિશેષ એવોર્ડ) એનાયત કરવામાં આવ્યો હતો, જે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ શરદ સિંઘલે એજન્સી વતી સ્વીકાર્યો હતો.
આ એવોર્ડ ક્રાઇમ બ્રાન્ચની ઓફલાઇન વેરિફિકેશન સિકિંગ એન્ટિટી (OVSE) તરીકે કાર્ય કરનારી પ્રથમ લૉ એનફોર્સમેન્ટ એજન્સી (LEA) બનવાની ઐતિહાસિક સિદ્ધિને બિરદાવે છે, જે નિર્બાધ, સંમતિ-આધારિત આધાર ચકાસણીને શક્ય બનાવે છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓળખ ચકાસણીની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે.જેમાં ‘પથિક’ નામનું પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલની મદદથી હોટેલમાં રોકાતા મહેમાનોના વેરિફિકેશનની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. હોટેલ ગેસ્ટની ઓળખ ચકાસણી માટે ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી કરવાના પ્રયાસ તરીકે આ પોર્ટલ મહત્વપૂર્ણ છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ‘પ્રતિરક્ષા’ નામનું અન્ય પોર્ટલ પણ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલનો ઉપયોગ લેબર અને કર્મચારીઓના વેરિફિકેશન માટે કરવામાં આવે છે. વિવિધ સ્થળોએ કામ કરતા કર્મચારીઓની ઓળખ ચકાસણીની પ્રક્રિયાને ડિજિટલ અને સરળ બનાવવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
UIDAI દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ પહેલને ટેકનોલોજી, પ્રાઈવસી અને સંમતિ આધારિત વેરિફિકેશનના સંદર્ભમાં રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી છે. કોલકાતામાં યોજાયેલા કાર્યક્રમમાં જોઈન્ટ કમિશનર ક્રાઈમ બ્રાન્ચે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.આ સન્માન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી વિકસાવવામાં આવેલી વેરિફિકેશન સિસ્ટમની રાષ્ટ્રીય સ્તરે થયેલી નોંધ તરીકે જોવામાં આવી રહ્યું છે.


