અમદાવાદ : AMC દ્વારા શહેરના પ્રખ્યાત પર્યટન સ્થળ કાંકરિયા લેક ખાતે આવતા મુલાકાતીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક વિશેષ સુવિધા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાંકરિયા પરિસરમાં પક્ષી દર્શન માટે બાયનોક્યુલર (દૂરબીન) વસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી કાંકરિયાની મુલાકાતે આવતા સૈલાણીઓ માટે એક નવું આકર્ષણ ઉમેરાશે.
AMC દ્વારા કાંકરિયા લેક ખાતે આવતા મુલાકાતીઓ માટે 10 ઉત્તમોત્તમ બાયનોક્યુલર ખરીદવામાં આવશે. કાંકરિયા ઝૂના સ્ટાફ દ્વારા દરરોજ સવાર અને સાંજે બે કલાક માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવશે. અંદાજિત 30 રૂપિયા જેટલી ટિકિટ રાખવામાં આવશે.આ વ્યવસ્થા હેઠળ ઝૂનો સ્ટાફ મુલાકાતીઓને પક્ષીઓની ઓળખ, તેમની વિશેષતાઓ અને અન્ય સંબંધિત માહિતીથી માહિતગાર કરશે. આ પહેલથી કાંકરિયા ખાતે આવતા નાગરિકો, બાળકો અને પક્ષીપ્રેમીઓને પક્ષીજગતને નજીકથી જાણવાની તક મળશે તેમજ પ્રકૃતિ અને પક્ષીઓ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળશે.
દર વર્ષે શિયાળાની સીઝન શરૂ થતાં જ કાંકરિયા તળાવ અને આસપાસના વૃક્ષો પર અસંખ્ય દેશી તેમજ પ્રવાસી (યાયાવર) પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. શિયાળાના આહલાદક વાતાવરણમાં તળાવ કિનારે આવતા રંગબેરંગી પક્ષીઓને નજીકથી નિહાળવા અને તેમના વિશે જાણકારી મેળવવા માટે પક્ષીપ્રેમીઓ માટે આ એક સુવર્ણ તક બની રહેશે.
અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવેલા આયોજન મુજબ, પક્ષી દર્શનની આ સુવિધા સવારના સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુલાકાતીઓ દરરોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન તળાવ કિનારે આવીને બાઈનોક્યુલરની મદદથી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ નિહાળી શકશે. સવારના શાંત અને ખુશહાલ વાતાવરણમાં પક્ષીઓની કલરવ સાંભળવાનો અને તેમને નજીકથી જોવાનો અનોખો આનંદ મળશે.


