અમદાવાદ : ગાંધીનગરમાં ભરવાડ સમાજના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાજના શિક્ષણ, વિકાસ અને સામાજિક ઉત્થાન પર ભાર મૂક્યો. ભરવાડ સમાજે લાકડીથી લેપટોપ સુધીની સફર કરી હોવાનું જણાવતા તેમણે દીકરીઓને વધુમાં વધુ ભણાવવા અપીલ કરી. આ સાથે ગૌહત્યા કરનારાઓને કડક ચેતવણી આપતા કહ્યું કે, ગૌહત્યા કરનારાઓએ કાં તો ગામ છોડવું પડશે અથવા આ કામ છોડવું પડશે. કાર્યક્રમમાં હર્ષ સંઘવીની લેપટોપ તુલા પણ કરવામાં આવી.
રિપોર્ટ મુજબ, આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના વિકાસ માટે લેવાયેલી પહેલની પણ વિગતો આપવામાં આવી હતી. ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ દિલીપ ભવાન ભરવાડે જણાવ્યું કે, સમાજના લોકોને ઝીરો ડાઉન પેમેન્ટ સાથે 221 JCB મશીનો આપવામાં આવ્યાં છે. જે મુજબ, ભરવાડ યુવા સંગઠનની યુવા રોજગાર યોજના હેઠળ ભરવાડ સમાજના યુવાનોને 221 JCB મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લેપટોપ તુલા કરવામાં આવી હતી. આ લેપટોપ સમાજની અભ્યાસમાં અવ્વલ દીકરીઓને વિતરિત કરવામાં આવશે.આ પ્રસંગે ભરવાડ સમાજની પ્રગતિને બિરદાવતાં હર્ષ સંઘવીએ સમાજની વિકાસયાત્રાને ‘લાકડીથી લેપટોપ’ સુધીની સફર ગણાવી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ભરવાડ સમાજે લાકડીથી લેપટોપ સુધીની સફર કરી છે. લાકડી પણ સમાજની લાજ રાખતી હતી અને લેપટોપ દેશના વિકાસમાં સહભાગી બનશે.” તેમણે યુવાનોને રોજગાર માટે વ્યાજે પૈસા લેવા ન પડે તે માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ ભરવાડ સમાજની દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ અપાવવા અને સમાજનાં દીકરા-દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.
સશક્ત યુવા, સમૃદ્ધ સમાજ અને આત્મનિર્ભર ભારત,
આ જ રાષ્ટ્ર વિકાસનો ખરો સંકલ્પ છે !ગાંધીનગર ખાતે ભરવાડ યુવા સંગઠન દ્વારા આયોજિત ‘યુવા રોજગાર યોજના 2026’માં ઉપસ્થિત રહી યુવાનોને સંબોધિત અને પ્રોત્સાહિત કર્યા. https://t.co/CDi3QKAq9k
— Harsh Sanghavi (@sanghaviharsh) October 14, 2026
હર્ષ સંઘવીએ ભરવાડ સમાજની દીકરીઓને વધુમાં વધુ શિક્ષણ આપવા અને દીકરા-દીકરીઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, કોઈને વ્યાજે પૈસા લેવા ન પડે તે માટે સરકારની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે. સમાજના લોકો આ યોજનાઓનો લાભ લે તે જરૂરી છે. સમૂહલગ્ન જેવા સામાજિક કાર્યક્રમોથી પરિવારભાવના મજબૂત બનતી હોવાનું જણાવી તેમણે સામાજિક કાર્યોની સાથે ધાર્મિક પ્રવૃત્તિઓને પણ આગળ વધારવા અપીલ કરી.
ભરવાડ યુવા સંગઠનની આ પહેલથી સમાજના યુવાનોને સ્વરોજગારની તક મળે અને તેઓ આર્થિક રીતે સક્ષમ બને તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રોજગાર, શિક્ષણ અને સામાજિક વિકાસને સાથે લઈને આગળ વધવાનો સંદેશ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો.


