અમદાવાદ : આગામી સમયમાં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટેરા વિસ્તાર અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસના રસ્તાઓના નવીનીકરણ અને વિકાસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે. જેના ભાગરૂપે સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને 61 મીટર પહોળો કરવા રોડ પરના 75 રહેણાંક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ, AMCના પશ્ચિમ ઝોન ગણાતા સાબરમતી વોર્ડના એસ્ટેટ અને દબાણ હટાવ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ ટીમે બે વિશાળ હિટાચી મશીન, બે જેસીબી મશીનો અને મોટી સંખ્યામાં મજૂરોના કાફલા સાથે સાબરમતી ટોલનાકાથી ડી-માર્ટની સામેના માર્ગ પર ત્રાટકીને રસ્તાની અડચણરૂપ બનેલા મકાનો તોડી પાડ્યા હતા. અગાઉ 18 મીટરના ટીપી રોડને રી-ડીપી કરીને 61 મીટર કરવાનો નિર્ણય લેવાયો હતો, જેના અંતર્ગત કુલ 165થી વધુ મિલકતો અસરગ્રસ્ત બની હતી.
એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ માર્ગ પહોળો કરવાની આ યોજનામાં મોટેરા અને સાબરમતી વિસ્તારની નીચે મુજબની વસાહતો અને ચાલીઓના મકાનો અસરગ્રસ્ત થયા છે:
બળદેવ નગર
શંકરજીની ચાલી
નિરાંત નગર
આનંદનગર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નવા મકાનો ફાળવવામાં આવશે. જ્યાં સુધી પાકા આવાસની ફાળવણી ન થાય ત્યાં સુધી રહેઠાણના યોગ્ય પુરાવા રજૂ કરનારા 66 પરિવારજનોને કોર્પોરેશન દ્વારા માસિક ભાડાના ચેક ચૂકવી દેવામાં આવ્યા છે. જોકે, જે નાગરિકો પાસે રહેઠાણના અધિકૃત પુરાવા ન હતા, તેમને કોઈ વૈકલ્પિક આવાસ કે ભાડાની રકમ આપવામાં આવી નથી. સવારે અમુક પરિવારોએ મકાન ખાલી ન કર્યા હોવાથી તંત્રે સવારે જ મકાનો ખાલી કરાવી સામાન ફૂટપાથ પર ખસેડ્યો હતો.


