અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરી સેવા સેતુ કાર્યક્રમના બારમા તબક્કા અંતર્ગત શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોતા સ્થિત ચાણક્યપુરીના મહંત શ્રી પરમપૂજ્ય બળદેવગીરીબાપુ કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 1,032થી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવા સેતુ આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી કુલ 56 પ્રકારની વ્યક્તિગતલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવાઓ અંતર્ગત કુલ 728 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં હેલ્થ વેલનેસ કાર્ડ, પ્રોપર્ટી ટેક્સ, રેશનકાર્ડ, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, આધારકાર્ડ, આવકના પ્રમાણપત્ર અને નવા વીજ જોડાણ સહિતની સેવાઓ માટે નાગરિકોને માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી નાગરિકોને સેવાઓ પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલભાઈ મિશ્રા, ઉત્તર-પશ્ચિમ ઝોનના મ્યુનિસિપલ કાઉન્સિલરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધારવા અને નાગરિકોને સરકારી સેવાઓ તેમના નજીકના સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.


