અમદાવાદ : નવરાત્રિના પવિત્ર પર્વની શરૂઆત સાથે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની હાજરીમાં માતાજીની મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે હજારો ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને માતાજીની આરાધનાને સમર્પિત આ મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રીની હાજરીમાં માતાજીની મહાઆરતી કરવામાં આવી હોવાની માહિતી છે. મહાઆરતી સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. GMDC ગ્રાઉન્ડના સત્તાવાર કાર્યક્રમમાં દરરોજ મહાઆરતીનું આયોજન પણ સામેલ છે.
ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને લોક પરંપરા સમાન ગરબાને વૈશ્વિક ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવથી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6 જેટલા રાષ્ટ્રોના રાજદૂતોની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ તેની બાદ આરતીમાં પણ સહભાગી થયા હતા.
અમદાવાદનું GMDC ગ્રાઉન્ડ નવરાત્રિના ભવ્ય આયોજન માટે જાણીતું છે. ગુજરાત પ્રવાસન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 11થી 20 ઓક્ટોબર દરમિયાન યોજાવાનો છે. મહોત્સવમાં પારંપરિક ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને માતાજીની આરાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના બહેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સાંસદ દિનેશ મકવાણા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા. નવરાત્રિના પ્રારંભે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે ઉમટી પડ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ માતાજીની આરાધના સાથે ગરબાનો આનંદ માણ્યો હતો.


