અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન અને વહીવટી તંત્રની ઘોર અને શરમજનક બેદરકારીનો વધુ એક ભોગ એક માસૂમ બાળકી બની છે. શહેરના શાસ્ત્રી બ્રિજ તરફથી પરિવાર સાથે ગણેશનગરના છાપરા તરફ આવી રહેલી બાળકી રિક્ષામાંથી ઉતર્યા બાદ ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે અને બાળકીને બહાર કાઢવા રેસ્ક્યૂ ઓપરેશન કલાકોથી ચાલી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, શ્રમજીવી પરિવાર પોતાના બાળકો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. બાળકીના પિતાએ પોતાના બે બાળકોના હાથ પકડ્યા હતા, જ્યારે માતાએ 10 વર્ષની દિવ્યાંગ બાળકી મનીષાનો હાથ પકડ્યો હતો. રિક્ષામાંથી ઉતર્યા બાદ પિતા રિક્ષાવાળાને ભાડાના પૈસા ચૂકવી રહ્યા હતા, તે જ સમયે બાળકીનો હાથ માતાના હાથમાંથી છૂટ્યો અને અજાણતા એક જ પગલું પાછળ ભરતાં જ તે રસ્તા પર ઢાંકણા વગરની 20 થી 40 ફૂટ ઊંડી ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ગરકાવ થઈ ગઈ હતી. પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને હાલ સમગ્ર પરિવાર પોતાની વ્હાલસોયી દીકરી માટે કાળજું કંપાવતું આક્રંદ કરી રહ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 2 ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સાંજે 4:00 વાગ્યાથી શરૂ થયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન બોટલ અને જરૂરી સાધનો સાથે ગટરમાં નીચે ઊતરીને બાળકીની શોધખોળ કરી રહ્યા છે. આ લાઈન આગળ શાસ્ત્રીબ્રિજ પાસે સાબરમતી નદીમાં નીકળતી હોવાથી ફાયર વિભાગે 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી સમગ્ર ડ્રેનેજ લાઈનમાં ચેકિંગ શરૂ કર્યું છે.


