અમદાવાદ : અમદાવાદના પશ્ચિમમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. AMC દ્વારા શહેરના નારણપુરા, રાણીપ, પાલડી અને નવા વાડજ વોર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચાર વોર્ડમાં મુખ્ય માર્ગ પર રસ્તાને ભારે અડચણરૂપ એવા તમામ નાના-મોટા દબાણોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ, નારણપુરાના રન્નાપાર્ક ખાતે રિઝર્વ પ્લોટમાં આવેલી 6 કોમર્શિયલ દુકાનો, રાણીપમાં 19 કાચાં-પાકાં મકાનો અને પાલડીમાં શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના ટીપી રોડ પરનાં આશરે 60 થી 65 કાચા પાકા મકાનો દૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નવા વાડજમાં ટીપી રોડ પરનું પાકું બાંધકામ પણ દૂર કરાયું હતું. આ કામગીરીથી રિઝર્વ પ્લોટનો કબજો મેળવવાની સાથે ટીપી રોડના કેટલાક ભાગો ખુલ્લા કરવામાં આવ્યા હતા.
નારણપુરા વોર્ડના રન્નાપાર્ક ખાતે ટીપી સ્કીમ નં. 29 (નારણપુરા)ના બીજા ફેરફાર હેઠળ રિઝર્વ ફાઇનલ પ્લોટ નં. 592ના અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્લોટમાં આશરે 350 ચોરસ મીટર વિસ્તારમાં આવેલી 6 કોમર્શિયલ દુકાનો પ્રકારની પાકી બાંધકામવાળી દબાણો દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રિઝર્વ પ્લોટનો કબજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવવામાં આવ્યો હતો.
રાણીપ વોર્ડમાં પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 66 (રાણીપ-ચેનપુર-ચાંદલોડિયા)ના ફાઇનલ પ્લોટ નં. 295/1માં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 2,804 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટમાંથી 19 કાચાં-પાકાં મકાનો દૂર કરીને રિઝર્વ પ્લોટનો કબજો કોર્પોરેશને હસ્તક લેવામાં આવ્યો હતો.
પાલડી વોર્ડમાં ગણેશ આવાસ યોજના, ભૂદરપુરા પાસે આવેલા શ્રેયસ મેટ્રો સ્ટેશન સુધીના 12 મીટર ટીપી રોડ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માર્ગ પરનાં આશરે 60થી 65 કાચાં-પાકાં ઝૂંપડાં અને મકાનો દૂર કરવામાં આવ્યાં હતાં. કોર્પોરેશનની કાર્યવાહીથી રસ્તાનો આશરે 60 મીટરનો ભાગ ખુલ્લો કરાયો હતો.
નવા વાડજ વોર્ડમાં શાંતારામ હોલથી નિર્ણયનગર તરફ જતા 18 મીટર ટીપી રોડ પર રેમ્પ પ્રકારનું આશરે 15 ચોરસ મીટરનું પાકું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી રસ્તાનો 10 મીટરનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.


