અમદાવાદ : અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા નાગરિકોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિવારણ માટે Citizen Complaint & Redressal System (CCRS) અમલમાં મૂકવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સિસ્ટમના અમલ બાદ નાગરિકોની ફરિયાદ નોંધાવવાથી લઈને તેના નિરાકરણ અને અંતિમ ક્લોઝર સુધીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, સમયબદ્ધ અને ટેક્નોલોજી આધારિત બનશે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા પોતાના અધિકારક્ષેત્ર હેઠળના વિશાળ વિસ્તારમાં વહીવટી પારદર્શિતા વધારવા અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે એક મોટો ડિજિટલ નિર્ણય લેવામાં આવ્યો છે. ઔડાના 1800 ચોરસ કિલોમીટરના કાર્યક્ષેત્રમાં વસતા નાગરિકો માટે હવે રૂ1 થી 2 કરોડના અંદાજિત ખર્ચે ‘સિટીઝન કમ્પ્લેઈન્ટ એન્ડ રિડ્રેસલ સિસ્ટમ’ (CCRS) નામની આધુનિક ઓનલાઇન ફરિયાદ નિવારણ પ્રણાલી તૈયાર કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અરજી કે ઈમેઈલ પર નિર્ભર રહેતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકોને હવે માત્ર એક ક્લિક પર રસ્તા, ગટર અને પાણી સહિતની સમસ્યાઓનું સમયબદ્ધ નિરાકરણ મળશે.
નાગરિકોને ફરિયાદ નોંધાવવામાં સરળતા રહે તે માટે ઔડા દ્વારા વિવિધ ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં કંટ્રોલ રૂમ, આઈવીઆર, વેબ પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન, વોટ્સએપ અને ચેરબોટ તેમજ SMS જેવા માધ્યમોનો સમાવેશ થાય છે. ફરિયાદ નોંધાયા બાદ નાગરિકને યુનિક કમ્પાલઈન્ટ, રેફરન્સ નંબર આપવામાં આવશે. આ નંબરના આધારે નાગરિક પોતાની ફરિયાદની સ્થિતિ જાણી શકશે અને ફરિયાદ ક્યાં સુધી પહોંચી છે તેની માહિતી મેળવી શકશે.
CCRSમાં ફરિયાદ નોંધાયા બાદ તેની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે ટ્રેક કરી શકાશે. નાગરિકોને નીચે મુજબની સુવિધાઓ મળવાની શક્યતા છે:
ફરિયાદ નોંધાવવાની વધુ સરળ અને સુલભ વ્યવસ્થા
દરેક ફરિયાદ માટે Unique Complaint Number
ફરિયાદની સ્થિતિ અંગે પારદર્શક માહિતી
ફરિયાદ કયા વિભાગ/અધિકારી પાસે છે તેની જાણકારી
સમયમર્યાદા આધારિત ફરિયાદ નિવારણ
વિલંબ થાય તો System-based Alert અને Escalation
ફરિયાદના નિવારણ બાદ Final Closureની સુવિધા
ફરિયાદોનું માત્ર નિવારણ નહીં, પરંતુ વિશ્લેષણ પણ થશે
AUDAના CCRSમાં માત્ર ફરિયાદોના નિવારણ પર જ ધ્યાન નહીં અપાય, પરંતુ ફરિયાદોમાંથી મળતા ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. એઆઈ, એનાલિટીક, પેટર્ન એન્ડ ટ્રેન્ડ એનાલિટીક જેવા ટેક્નોલોજી આધારિત સાધનોનો ઉપયોગ કરીને ફરિયાદોના પ્રકાર, વિસ્તાર, સમયગાળો અને પુનરાવર્તિત સમસ્યાઓનું વિશ્લેષણ કરી શકાશે. આ વિશ્લેષણના આધારે કયા વિસ્તારમાં કઈ સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે અને તેના કાયમી ઉકેલ માટે કયા પગલાં જરૂરી છે તે અંગે નિર્ણય લેવામાં મદદ મળશે.


