અમદાવાદ : આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતનની વાટ પકડશે, તો ઘણા લોકો મિની વેકેશન હોવાથી ફરવા ઉપડી જશે. જેના પગલે રેલવે સ્ટેશન પર વધતી ભીડને જોતા ભારતીય રેલવે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન સહિત 6 જેટલા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું 15 નવેમ્બર સુધી વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.
રિપોર્ટ મુજબ, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની ભારે ભીડ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભીડ નિયંત્રણ માટેના પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત 6 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે તેમજ અમદાવાદના કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર વિશેષ હોલ્ડિંગ એરિયા ઊભા કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ટિકિટ પરનો આ પ્રતિબંધ 15 નવેમ્બર સુધી બાંદ્રા, વાપી, વલસાડ, ઉધના, સુરત અને મહેસાણા સ્ટેશનો પર અમલમાં રહેશે. આ નિર્ણયનો હેતુ બિનજરૂરી મુલાકાતીઓને રોકવાનો, ભીડ ઘટાડવાનો અને તહેવારો દરમિયાન મુસાફરો સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢી અને ઊતરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
અમદાવાદમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થશે. દિવાળી પહેલા પગાર થતાં લોકો વતન તરફ રવાના થશે, જેથી સપ્તાહના અંતે ભીડ વધુ વધવાની સંભાવના છે. મુસાફરોના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કાલુપુર અને સાબરમતી ખાતે લાઈટિંગ, પંખા, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા ધરાવતા હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. મુસાફરોને આ નિર્ધારિત જગ્યાઓમાં રાહ જોવા અને ટ્રેન આવે તે પહેલાં કતારમાં ઊભા રહેવા જણાવાશે. પ્લેટફોર્મ પર વધુ પડતી ભીડ અને ધક્કામુક્કી ન થાય તે માટે મુસાફરોને તબક્કાવાર પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે.
પશ્ચિમ રેલવેએ બંને સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરી રહી છે, જેના માટે વધારાના આરપીએફ અને જીઆરપીના જવાનો તહેનાત કરવામાં આવશે. વૉકી-ટૉકીથી સજ્જ સ્ટાફ ભીડ વ્યવસ્થાપનનું સંકલન કરશે, જ્યારે સીસીટીવી કેમેરા દ્વારા ભીડવાળા વિસ્તારો પર નજર રાખી તાત્કાલિક પગલાં ભરવામાં મદદ મળશે.


