અમદાવાદ : અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA)ના વર્ષ 2025-26ના તત્કાલીન પ્રમુખ અને ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. જિગ્નેશ સી. શાહને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા પ્રતિષ્ઠિત ‘ડૉ. અનિલકુમાર જે. નાયક બેસ્ટ લોકલ બ્રાન્ચ પ્રેસિડેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. મહેસાણા ખાતે યોજાયેલા GIMACON-2026માં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નેતૃત્વ, તબીબી ક્ષેત્રે યોગદાન અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે.વર્ષ 2025-26 દરમિયાન ડૉ. શાહના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેડિકલ એસોસિએશને ‘Beyond Scalpel and Stethoscope’ થીમ સાથે આરોગ્યસેવા, તબીબી શિક્ષણ, ડૉક્ટરોના કલ્યાણ અને સામાજિક જવાબદારીને કેન્દ્રમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.
આ સમયગાળા દરમિયાન મોટા પાયે ડાયાબિટીસ જાગૃતિ અને નિદાન કેમ્પ, જાહેર સંસ્થાઓમાં CPR તાલીમ કાર્યક્રમો, શૈક્ષણિક પરિષદો, ડૉક્ટર્સ ડેની ઉજવણી તેમજ AMA પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ નોંધનીય બાબત એ છે કે AMA પ્રીમિયર લીગ અંતર્ગત પ્રથમ વખત મહિલા પ્રીમિયર લીગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અગાઉ પણ ડૉ. જિગ્નેશ શાહને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2011-12માં તેમને સ્થાનિક શાખાના શ્રેષ્ઠ માનદ મંત્રી તરીકે ‘પ્રેસિડેન્ટ IMA એપ્રિસિએશન એવોર્ડ’ એનાયત થયો હતો. જ્યારે વર્ષ 2019-20માં તેમને IMAનો પ્રતિષ્ઠિત ‘ડિસ્ટિંગ્વિશ્ડ સર્વિસ એવોર્ડ’ પ્રાપ્ત થયો હતો.
આ સન્માન બદલ ડૉ. શાહે IMAના હોદ્દેદારો, વરિષ્ઠ તબીબો, AMAના પદાધિકારીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો તેમજ એસોસિએશનના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ એવોર્ડને વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ સમગ્ર ‘ટીમ AMA’ના સામૂહિક પ્રયાસો, સહકાર અને સમર્પણનું પરિણામ ગણાવી આ સન્માન તમામ સભ્યોને અર્પણ કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તબીબી વ્યવસાયની સેવા કરવાની પોતાની સફરમાં આ એવોર્ડ એક યાદગાર અને ગૌરવપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે.


