અમદાવાદ : શહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપર કપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો વિરુદ્ધ મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પશ્ચિમ ઝોનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારા વ્યાપારી એકમો સામે હાથ ધરાયેલી કડક ઝુંબેશ અંતર્ગત નવરંગપુરાના કોમર્સ છ રસ્તા સ્થિત ઑનેસ્ટ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 20 એકમો સીલ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ, મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પર કચરો ફેંકતા, ગંદકી ફેલાવી ઉપદ્રવ સર્જતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કે વેચાણ કરતા અથવા ડસ્ટબિન રાખ્યા વિના વ્યવસાય ચલાવતા વ્યાપારી એકમો અને પાથરણાવાળાઓને આ ડ્રાઇવ હેઠળ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન એએમસીની ટીમોએ 239 એકમોની તપાસ કરી હતી અને કચરો ફેંકવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 153 એકમોને નોટિસ ફટકારી હતી. આ કાર્યવાહીમાં કુલ 23.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશને આ ડ્રાઇવ દરમિયાન વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 2.67 લાખની વસૂલાત કરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ. 1.24 લાખ અને જાહેરમાં કચરો ફેંકવા તેમજ ન્યૂસન્સ ફેલાવવા બદલ રૂ. 1.43 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ઑનેસ્ટ રેસ્ટોરન્ટ ઉપરાંત સીલ કરાયેલા અન્ય 19 એકમોમાં નવરંગપુરા, નારણપુરા, વાસણા, રાણીપ, સાબરમતી અને પાલડી વિસ્તારના ઓટોમોબાઇલ વ્યવસાયો, પ્રિન્ટિંગ પ્રેસ, ભંગારની દુકાનો, હોટલો, ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓનો સમાવેશ થતો હતો.આ યાદીમાં ડ્રાઇવ-ઇન રોડ પર આવેલી હોટેલ સ્વેલ, મીઠાખળી છ રસ્તા પાસેની ન્યૂ લકી મોટર્સ તથા નવરંગપુરામાં તેજ કોમ્પ્લેક્સ અને નગરી હોસ્પિટલ નજીકના વિવિધ એકમો સામેલ છે. કેટલાક અન્ય એકમોને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ સીલ કરવામાં આવ્યા હતા.
AMCએ જણાવ્યું હતું કે પશ્ચિમ ઝોનના રહેણાંક તેમજ વ્યાવસાયિક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક રહીશો અને વેપારીઓને જાહેર સ્થળોએ કચરો ફેંકવાને બદલે કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી AMCના કચરા સંગ્રહ વાહનોને જ સોંપવા સૂચના આપવામાં આવી રહી છે.
મનપાએ સ્પષ્ટ કર્યું કે આગામી દિવસોમાં પણ સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે આવી કડક દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે.


