અમદાવાદ : રાજ્યમાં વીજ સંકટને ધ્યાનમાં રાખીને વહીવટી સ્તરે વીજળી વપરાશ પર કાપ મૂકવામાં આવી રહ્યો છે, જેની સીધી અસર અમદાવાદ શહેરના દિવાળી પર્વના આયોજન પર જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન સમગ્ર શહેરમાં કરવામાં આવતી ભવ્ય લાઈટિંગ અને રોશની પર આ વર્ષે મોટો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે ૧૧૮ સ્થળોના સ્થાને માત્ર ૭ સ્થળો પર જ મર્યાદિત સમય માટે લાઇટિંગ કરવામાં આવશે.
રિપોર્ટ મુજબ, AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે સાબરમતી નદી પરના સુભાષબ્રિજ સિવાયના છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર સહિત કુલ સાત સ્થળોએ લાઇટિંગ કરવામાં આવશે. પરંતુ આ વર્ષે વીજસંકટને ધ્યાનમાં રાખીને AMCએ રોશની મર્યાદિત રાખવાની તૈયારી કરી છે. પરિણામે સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે જેવા વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા દિવાળીનું વિશેષ લાઇટિંગ કરવામાં નહીં આવે.
અમદાવાદમાં દર વર્ષે દિવાળી દરમિયાન સાબરમતી નદી પરના બ્રિજ, અન્ય ઓવરબ્રિજ, ટ્રાફિક સર્કલ, અંડરપાસ, હેરિટેજ દરવાજા અને શિલ્પોને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવે છે. અગાઉ અંદાજે 118 સ્થળોએ આ વ્યવસ્થા કરવામાં આવતી હતી, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં તહેવારનો માહોલ જોવા મળતો હતો.નકશા જુઓ
અગાઉ બ્રિજ ઉપરાંત ટ્રાફિક સર્કલ, અંડરપાસ અને સરકારી ઇમારતો પર પણ રોશની કરવામાં આવતી હતી. જોકે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે અન્ય સ્થળોએ વિશેષ લાઇટિંગ નહીં કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.
દર વર્ષે લાઈટ સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતી હતી, પરંતુ હવે સાંજે સાત વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઈટ ચાલુ રાખવામાં આવશે. શહેરમાં અન્ય કોઈ સ્થળો ઉપર AMC દ્વારા લાઇટિંગ કરવામાં આવશે નહીં.


