અમદાવાદ : અમદાવાદ શહેરમાં હાઉસિંગ બોર્ડની સોસાયટીના રીડેવલપમેન્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અગ્રણી ગુજરાતી દૈનિક અખબાર ‘સંદેશ’ના સિનિયર ક્રાઈમ રિપોર્ટર દીપક મસલાએ નારણપુરા હાઉસિંગ સોસાયટીના કેટલાક સભ્યો સામે હુમલો કરવા અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે ઘાટલોડિયા પોલીસે ઘટનાના 24 દિવસ બાદ ફરિયાદ નોંધતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, ગત 4 ઓક્ટોબરના રોજ મેમનગર ખાતે GHBના રીડેવલપમેન્ટ ટેન્ડર અને ફ્લોરેન્ટિના રિયલ્ટી એલએલપીને આપવામાં આવેલા કામ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન વિવાદ સર્જાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દીપક મસલાએ ઘાટલોડિયા પોલીસને કરેલી રજૂઆત મુજબ, નારણપુરા હાઉસિંગ સોસાયટીના પ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી જયેશ શુક્લા અને સભ્ય કુણાલ પટેલ સહિતના લોકો સાથે રીડેવલપમેન્ટને લઈને બોલાચાલી થઈ હતી. કેટલાક રહેવાસીઓએ યોજનાનો વિરોધ કરતાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત, તેમની સામે ખોટા કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એક મહિલાએ તેમને થપ્પડ મારી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
આ ઘટનાને પગલે દીપક મસલાએ ન્યાય મેળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ઘાટલોડિયા પોલીસે ઘટનાના 24 દિવસ બાદ સત્તાવાર રીતે ફરિયાદ નોંધી હતી. ફરિયાદ નોંધવામાં થયેલા વિલંબને કારણે પણ આ મામલો ચર્ચામાં આવ્યો છે.
નારણપુરા હાઉસિંગ સોસાયટીના રીડેવલપમેન્ટ ટેન્ડરને લઈને ઊભા થયેલા વિવાદમાં હવે પત્રકાર પર હુમલો અને ધમકી આપવાના આક્ષેપો સામે આવ્યા છે. જોકે, ફરિયાદમાં જેમનાં નામ સામે આવ્યાં છે, તેમની સામેના આક્ષેપો અંગે પોલીસ તપાસ અને સંબંધિત પક્ષોની રજૂઆત બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.


