અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ અંતર્ગત દરિયાપુર વિસ્તારમાં એક ચાર માળની ઇમારત તોડી પાડવામાં આવી હતી.આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ મુજબ, દરિયાપુર-શાહપુર વિસ્તારમાં 244, સગરવાડ, મંકોડી પાડાની પોળ, મદહ શાહ મદારની સામેની ગલી ખાતે ચુનીલાલ ખુલા અને શેખ શહનાઝ બાનો ફરીદ મોહમદ તથા બાંધકામ કરનાર તમામ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી આશરે 2,320.00 ચોરસ ફૂટનું ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું.જેથી આજે 27 ઓક્ટોબરના રોજ અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ કાફલાને સાથે રાખી બિન પરવાનગીનું રહેણાંક બાંધકામ સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું છે.
AMC દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં કલમ-267 મુજબ તારીખ 30 સપ્ટેમ્બરના કલમ-260 (1) મુજબ 1 ઓક્ટોબરના રોજ તથા કલમ-260(2) મુજબ તારીખ 9 ઓક્ટોબરના રોજ કારણદર્શક નોટિસ પણ આપી હતી. આ નોટિસો આપવા છતાં પણ માલિકો કે બાંધકામ કરનાર દ્વારા સ્વેચ્છાએ આ દબાણ કે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું.
આ ડિમોલિશન કામગીરી અંગે નાયબ નગર વિકાસ અધિકારી (મધ્ય ઝોન) ના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર અને બિન પરવાનગીનું બાંધકામ દૂર કરવાની આ ઝુંબેશ અને આકરી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.


