અમદાવાદ : દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી છે. તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણની માંગ વધતી હોવાથી વેપારીઓ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ન કરે તે માટે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ દિવાળી નજીક છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા ભેળસેળ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે અલગ અલગ ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધાર્યું છે.જોધપુર વિસ્તારમાં આવેલી જયશ્રી પેડાની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઈ હતી. બીજી તરફ, જજીસ બંગલા વિસ્તારમાં ફૂડ વિભાગે ભાવનગરી સ્વીટ માર્ટ ખાતે ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન કોટેડ બદામમાં જીવાત મળી આવી હતી અને તેની એક્સપાયરી ડેટ પૂર્ણ થવામાં માત્ર બે દિવસ બાકી હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહીથી તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને સવાલો ઊભા થયા છે.
આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે મીઠાઈ અને ફરસાણને લગતા મેનુફેક્ચર એકમોમાં ચેકિંગ હાથ ધરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. સેમ્પલના પરિણામો બાદ ફૂડ વિભાગ આગળની કાર્યવાહી હાથ ધરશે, એવું મ્યુ સૂત્રો જણાવી રહ્યા છે.આમ દિવાળી નજીક છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા ભેળસેળ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે.


