અમદાવાદ : અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસોના ડ્રાઇવરોની લાપરવાહી ફરી એકવાર સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા નારણપુરામાં પલ્લવ ચાર રસ્તા પાસે AMTS બસે એક બાઇકચાલકને જોરદાર અડફેટે લેતાં ચકચાર મચી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ મુજબ, AMTS રૂટ નંબર 160ની બસ હાટકેશ્વરથી સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ નારણપુરાના પલ્લવ ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે બાઇકચાલકને ટક્કર વાગી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકચાલક રસ્તા પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં યુવકને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલમાં રીફર કરાયો છે.
અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નારણપુરામાં બનેલી આ ઘટનાને પગલે AMTS બસોના સંચાલન અને ડ્રાઇવરોની સાવચેતી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. શહેરના વ્યસ્ત ચાર રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાંથી પસાર થતી બસો દરમિયાન વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષાનો પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. ખાસ કરીને જાહેર પરિવહનની બસોના સંચાલનમાં પૂરતી સાવચેતી રાખવામાં આવે તેવી માગ નાગરિકોમાં ઉઠી રહી છે.


