અમદાવાદ : અમદાવાદ શહેર માટે અત્યંત આનંદ અને ગૌરવના સમાચાર સામે આવ્યા છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદ સમગ્ર દેશમાં નંબર 1 પર આવી ગયું છે અને અગાઉ પ્રથમ ક્રમે રહેતા ઈન્દોરને પણ પાછળ છોડી દીધું છે.સ્વચ્છ જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે સુપર સ્વચ્છ લીગમાં સુરત બીજા નંબરે રહ્યું. જ્યારે રાજ્યમાં સૌથી સ્વ્ચછ શહેરની કેટેગરીમાં વડોદરાએ બાજી મારી.કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને મનપાના મેયર દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આ રાષ્ટ્રીય એવોર્ડ સમારોહમાં અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અમૃતેશ ઓરંગાબાદકર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર ડૉ વિજયભાઈ મિસ્ત્રી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ચેરમેન દીપકભાઈ પંચાલ સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ મુજબ, આ ભવ્ય સફળતામાં માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલું સાણંદ શહેર પણ ચમક્યું છે. ‘સ્વચ્છ શહેર જોડી’ (ક્લીન સિટી પેર) કેટેગરીમાં અમદાવાદ અને સાણંદની જોડીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું સઘન આયોજન, સફાઈ કર્મચારીઓની અતૂટ મહેનત અને સૌથી મહત્વનું એવા શહેરીજનોનો સહયોગ રહેલો છે. સેટિઝન ફીડબેક, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને શહેરમાં જાળવવામાં આવેલી સ્વચ્છતાએ આ મુકામ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અમદાવાદ માટે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા અને મનપાના મેયર દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દેશમાં સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. પ્રથમ સ્થાને નવી મુંબઈ રહી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને કમિશનરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.
સ્વચ્છ શહેર જોડી કેટેગરી અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ મેન્ટર સિટી તરીકેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી ગુજરાતનાં અન્ય શહેરો, જેમાં સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુન્દ્રા-બારોઈનો સમાવેશ થાય છે, તેમને સ્વચ્છતા ક્ષેત્રે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અંતર્ગત કચરાનું વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન તેમજ સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો.
અમદાવાદ અને સાણંદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી કામગીરી તથા સ્વચ્છતાલક્ષી પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણના નિર્ધારિત માપદંડો પર બંને શહેરોની કામગીરીના આધારે સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં દેશભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ શહેરો વચ્ચેના પરસ્પર સહયોગ, માર્ગદર્શન અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
આ સિદ્ધિ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અને નાગરિકોના સહિયારા પ્રયાસોનું ગૌરવપૂર્ણ પરિણામ છે.


