અમદાવાદ : દીપોત્સવના પાવન પર્વે મેગા સિટી અમદાવાદ અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના નાગરિકોને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તરફથી વિકાસકાર્યોની બમ્પર ‘દિવાળી ગિફ્ટ’ મળી છે. જેમાં ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી એલિવેટેડ બ્રિજ સહિત શહેરના વાડજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 હજારથી વધુ મકાનોનો પારદર્શક કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી જાહેરસભાને સંબોધન કરવામાં આવ્યું હતું. વાડજ ખાતે રામાપીરના ટેકરામાં આવાસ યોજનાના મકાનોની માલિકોને ચાવી સોંપી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લાને કુલ 1400 કરોડના કામોનું લોકાર્પણ અને ભૂમિપુજનની શરૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ, આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાણીપમાં જાહેર સભા સંબોધી હતી. જાહેર સભા દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના પ્રારંભિક રાજકીય અને સામાજિક જીવનના અજાણ્યા પાસાઓ ખોલીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. જનમેદનીને સંબોધતા તેમણે અત્યંત ભાવુક અંદાજમાં જણાવ્યું હતું કે, બહુ ઓછા લોકોને ખબર હશે કે મારી સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂઆત આ રામાપીરના ટેકરા પરથી થઈ હતી. 1985 ના સંઘર્ષના દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે, ત્યારે તેઓ પક્ષની પત્રિકાઓ વહેંચવા આ વિસ્તારની સાંકડી ગલીઓમાં પગપાળા ફરતા હતા. તે સમયે અહીં પારાવાર ગંદકી, મૂળભૂત સુવિધાઓનો સદંતર અભાવ અને નાના-મોટા ગુનાઓની ભરમાર જોવા મળતી હતી, પરંતુ આજે આ જ વિસ્તારમાં ગરીબો માટે આલીશાન ફ્લેટ્સનું નિર્માણ થતાં વિસ્તારની તાસીર બદલાઈ ગઈ છે.
આજે સવારે 9 નવેમ્બરના રોજ અમિત શાહ ઇસ્કોનથી સરખેજ સુધીના નેશનલ હાઈવે પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. આ બ્રિજ જોધપુર વિસ્તારમાં ઇસ્કોન બ્રિજ પાસે આવેલો છે, જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં મદદ કરશે. ત્યારબાદ, તેઓ સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શ્રીનાથ ફાઉન્ડેશનના સહયોગથી AMC દ્વારા નિર્મિત નોલેજ હબ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટર વિદ્યાર્થીઓ અને જ્ઞાનપિપાસુઓ માટે એક મહત્વનું કેન્દ્ર બનશે.
10 નવેમ્બર 2026, મંગળવારના રોજ નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ પણ યોજશે. આ કાર્યક્રમ સવારે થલતેજ, અમદાવાદમાં જલસા પાર્ટી પ્લોટની પાછળ આવેલા 16, રોયલ ક્રિસન્ટ બંગ્લો ખાતે યોજાશે. આ દરમિયાન તેઓ લોકોને મળીને નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે અને મંગલકામના વ્યક્ત કરશે.


