અમદાવાદ : આજે દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શન માટે ઉમટી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેસતા વર્ષના પાવન દિવસે માતાજીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.
રિપોર્ટ મુજબ, ગુજરાતી નવા વર્ષ એટલે બેસતા વર્ષના દિવસે એટલે કે 10 નવેમ્બરે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ માઈભક્તો માટે માતાજીનાં દર્શનનો પ્રારંભ થશે. નૂતન વર્ષના પાવન અવસરે માં અંબાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે.ત્યારબાદ સવારે 6:30થી 11:30 વાગ્યા સુધી ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે. બપોરે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:30થી 4:15 વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. સાંજે 6:30થી 7 વાગ્યા સુધી સાંજની આરતી થશે અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે.
11થી 14 નવેમ્બર સુધીનું સમયપત્રક
મંદિર ટ્રસ્ટ દ્વારા 11 નવેમ્બરથી 14 નવેમ્બર સુધી પણ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. આ ચાર દિવસ દરમિયાન ભક્તો માટેનું સમયપત્રકમાં ફેરફાર જોવ મળશે.
સવારની આરતી: સવારે 6:30 થી 7 વાગ્યા સુધી
સવારના દર્શન: સવારે 7 થી 11:30 વાગ્યા સુધી
રાજભોગ: બપોરે ધરાવવામાં આવશે
બપોરના દર્શન: બપોરે 12:30 થી 4:15 વાગ્યા સુધી
સાંજની આરતી: સાંજે 6:30 થી 7 વાગ્યા સુધી
સાંજના દર્શન: સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધી
દિવાળી અને નવા વર્ષના તહેવારો પૂર્ણ થયા બાદ 15 નવેમ્બરથી અંબાજી મંદિરનું નિયમિત સમયપત્રક ફરી શરૂ કરવામાં આવશે. 15 નવેમ્બરથી સવારે 7:30 થી 8 વાગ્યા સુધી મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 8 થી 11:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. બપોરે રાજભોગ બાદ 12:30 થી 4:15 વાગ્યા સુધી દર્શન ખુલ્લાં રહેશે. સાંજે 6:30 થી 7 વાગ્યા સુધી આરતી થશે અને ત્યારબાદ રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો માતાજીનાં દર્શન કરી શકશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચે છે.
ખાસ કરીને ગુજરાતી નવા વર્ષના દિવસે માતાજીનાં દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરવાની ભક્તોમાં વિશેષ પરંપરા છે. આવી સ્થિતિમાં મંદિર ટ્રસ્ટે તમામ ભક્તો અને સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેઓ અંબાજી મંદિરની મુલાકાત લેતાં પહેલાં જાહેર કરાયેલા નવા સમયપત્રકની નોંધ લે અને તે મુજબ જ દર્શનનું આયોજન કરવું જરૂરી છે.


