અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઝોન) ની રાહબરી હેઠળ શહેરમાં ગંદકી અને ન્યુસન્સ ફેલાવતા એકમો વિરુદ્ધ અત્યંત સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત વેપારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે.
રિપોર્ટ મુજબ, AMC ના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ સઘન કામગીરી અંતર્ગત છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દિવસ તેમજ રાત્રીના સમયે ખાસ સ્કવોડ ટીમ બનાવવામાં આવી હતી. પશ્ચિમ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ અને ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે કુલ 249 યુનિટ ચેક કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા બદલ કુલ 166 યુનિટને નોટિસ આપવામાં આવી છે.
શહેરમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અથવા ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો, પાનના ગલ્લા, ચાની કિટલીઓ તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જે એકમો દ્વારા ડસ્ટબીન રાખવામાં નથી આવતા તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા હાથ ધરેલી આ ઝુંબેશમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝુંબેશ દરમિયાન કુલ 12.5 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને સંગ્રહ પેટે વહીવટી ચાર્જ તરીકે રૂા. 95,000/- વસૂલ કરવામાં આવ્યા છે.
ધી જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત જાહેર માર્ગો પર ગંદકી કરતા તેમજ ન્યુસન્સ ફેલાવતા ધંધાકીય એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 4 એકમોને સીલ કરવામાં આવ્યા છે તથા દંડકીય કામગીરી અંતર્ગત રૂ.1,40,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આમ, છેલ્લા ત્રણ દિવસમાં કુલ મળીને રૂ. 2,35,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
નિયમો ભંગ બદલ સીલ કરાયેલા એકમોની વિગતવાર યાદી
તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન તપાસમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડના નીચે મુજબના 4 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
| ક્રમ | વોર્ડ | કારણ | સીલ કરેલ એકમનું નામ અને સરનામું |
| 1 | રાણીપ | ગંદકી કરવા બાબત | બર્ગોનિક, ન્યુ રાણીપ, રાણીપ |
| 2 | રાણીપ | ગંદકી કરવા બાબત | છાસવાલા ધરતી, સાંકેત, રાણીપ |
| 3 | પાલડી | ગંદકી કરવા બાબત | જય ભવાની વડાપાઉ, ભઠ્ઠા, પાલડી |
| 4 | નારણપુરા | ગંદકી કરવા બાબત | આશાપુરી ટી સ્ટોલ, નારણપુરા |
હાલમાં પશ્ચિમ ઝોનમાં રહેણાંક વિસ્તારો અને વાણિજ્ય એકમો ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કચરો જાહેરમાં ન ફેંકવા અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. કચરાનું સેગ્રીગેશન (સૂકો અને ભીનો કચરો અલગ) કરી AMCના સત્તાવાર કચરાના વાહનમાં જ કચરો નાખવા માટે આઈ.ઈ.સી. (IEC) એક્ટિવિટી અંતર્ગત પત્રિકાઓ વિતરીત કરી નાગરિકોને સમજણ આપવાની કામગીરી પણ સતત ચાલુ છે. શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા આવા એકમો સામે આગામી દિવસોમાં પણ AMC દ્વારા ઝુંબેશના ભાગરૂપે સખત પગલાં લેવાની કામગીરી ચાલુ રહેશે તેવી ડેપ્યુટી ડાયરેક્ટર (પશ્ચિમ ઝોન) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.


