અમદાવાદ: દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની આરોગ્યલક્ષી તકલીફ પડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરની મ્યુનિસિપલ સંચાલિત જનરલ હોસ્પિટલો તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય રીતે ફટાકડાથી દાઝી જવાના કિસ્સા, નાની-મોટી ઇજાઓ, ધુમાડાના કારણે શરદી-ખાંસી, શ્વસનતંત્રના રોગો (SARI), આંખને લગતી તકલીફો, એલર્જી તેમજ ઝાડા-ઊલટી જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં નાગરિકોને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એસ.વી.પી. જનરલ હોસ્પિટલ, એલ.જી. જનરલ હોસ્પિટલ, શારદાબહેન ચીમનલાલ લાલચંદ જનરલ હોસ્પિટલ, નગરઆંબલી જનરલ હોસ્પિટલ, વી.એસ. જનરલ હોસ્પિટલ અને ચેપીરોગ હોસ્પિટલ ખાતે જરૂરી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ પેરામેડિકલ સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર માટે જરૂરી દવાઓ અને સર્જિકલ મટિરિયલનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત શહેરનાં 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) ખાતે પણ આરોગ્યલક્ષી ઇમરજન્સી સેવાઓ ચોવીસ કલાક ચાલુ રહેશે. તેમાં નરોડા, રખિયાલ, વસ્ત્રાલ, ગોમતીપુર, વિરાટનગર, વટવા, ફઝલનગર, બહેરામપુરા, દાણીલીમડા, ચાંદખેડા, સાબરમતી, થલતેજ અને સરખેજનો સમાવેશ થાય છે.

આ તમામ કેન્દ્રો અને હોસ્પિટલોમાં તબીબોની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે ડોક્ટરોને ઓન-ડ્યુટી રાખવામાં આવ્યા છે. સંબંધિત હોસ્પિટલોના આર.એમ.ઓ. અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ અધિકારીઓ દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંકલન અને દેખરેખ રાખવામાં આવશે.
કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગસમગ્ર સામુહિક આરોગ્ય કેન્દ્રોના સંકલન માટે એપિડેમિક શાખાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. ચિરાગ શાહ (મો. નં. 9327038803) નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવશે. સમગ્ર વ્યવસ્થાનું સુપરવિઝન સંબંધિત હોસ્પિટલ અને CHC કેન્દ્રોના સુપ્રિટેન્ડન્ટ તથા આર.એમ.ઓ. દ્વારા કરવામાં આવશે.


