અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે નારણપુરા સ્થિત જાણીતા ‘જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ’ની મુલાકાત લઈને દિવાળી પર્વની વિશેષ ઉજવણી કરી હતી. તહેવારોના આ દિવસોમાં વડીલો એકલતા ન અનુભવે તેવા ઉમદા હેતુ સાથે તેમણે વૃદ્ધાશ્રમના નિવાસીઓ સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો.

વૃદ્ધાશ્રમના નિવાસીઓ સાથે મુલાકાત દરમિયાન પોલીસ કમિશનર અને તેમના પરિવારે તમામ વડીલોના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમને દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તહેવારના ઉત્સાહ વચ્ચે વડીલોને મીઠાઈનું વિતરણ કરી મોં મીઠું કરાવ્યું હતું. ખાખી વર્દી પાછળ રહેલા સંવેદનશીલ માનવીય અભિગમને જોઈ વૃદ્ધાશ્રમના વડીલો પણ ભાવવિભોર બન્યા હતા અને કમિશનર તથા તેમના પરિવાર પર આશીર્વાદ વરસાવ્યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, “દિવાળીની સાચી રોશની માત્ર દીવાઓ પ્રગટાવવાથી નહીં, પરંતુ સમાજના દરેક વર્ગ અને વિશેષ કરીને વડીલોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવાથી થાય છે.”

જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના સંચાલકો તેમજ વડીલોએ પોલીસ કમિશનરના આ સંવેદનશીલ પગલાને આવકારી સમગ્ર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.


